રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉનાળાના વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસના કારણે ઈન્ડિગોની બે ફલાઈટનું અમદાવાદ એરિપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ બન્ને ફલાઈટ ટૂંકા રોકાણ બાદ રાજકોટ માટે ઉડાન ભરી હતી. ધુમ્મસના કારણે બન્ને ફલાઈટ મોડી પડતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પુનાથી રાજકોટ આવતી અને મુંબઈથી રાજકોટ આવતી ઇન્ડીગોની બે ફલાઈટને ધુમ્મસનું ગ્રહણ નડયું હતું. રાજકોટ હિરાસર આંતરરાષાટ્રીય એરપોર્ટ પર આ બન્ને ફલાઈટ ભારે ધુમ્મસના કારણે લેન્ડ થઈ શકી ન હતી. પુનાથી ઉપડેલી વહેલી સવારની ઈન્ડિગોની ફલાઈટને રાજકોટમાં ધુમ્મસના કારણે ઉતરાણ શકય નહીં બનતા અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેવી જ રીતે મુંબઈથી રાજકોટ આવનારી ઈન્ડીગોની ફલાઈટને પણ અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડીગોની પુના રાજકોટ અને મુંબઈ રાજકોટ ફલાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર ટૂંકા રોકાણ બાદ આ બન્ને ફલાઈટ રાજકોટ આવવા માટે રવાન થઈ હતી.
અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યા બાદ આ બન્ને ફલાઈટ રાજકોટ આવી હતી. મુંબઈથી રાજકોટ અને પુનાથી રાજકોટ મુસાફરી કરનાર ઈન્ડીંગોના મુસાફરોને ધુમ્મસના કારણે ફલાઈટ લેન્ડ નહીં થઈ શકતાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાના વાતાવરણ વચ્ચે હિરાસર એરપોર્ટ પર વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ જતાં ફલાઈટના લેન્ડીંગ માટે ભારે મુશ્કેલી ઉભી થઈ હતી અને જેના કારણે આ બન્ને ફલાઈટને તાત્કાલીક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
