ઇ.ડી.ની રિમાન્ડ દરમિયાન ભ્રષ્ટાચારના ચિઠ્ઠા મળતા કારકુન અને પી.એ.ની પણ તોળાતી ધરપકડ
કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની મંજૂરી માંગતુ ઇ.ડી., મોટા ધડાકા થવાની શકયતા
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલા તથા કારકુન મયુર ગોહીલને ત્યાં ઇ.ડી.ના દરોડા પાડયા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઇડીએ ધરપકડ કરી 8 દિવસના રિમાન્ડ પર મેળવતા રૂા.67.50 લાખની રોકડ રકમ જપ્ત કર્યા બાદ ગઇકાલે વધુ રૂા.બે કરોડની રોકડ રકમ ઇડીએ જપ્ત કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
બીજી તરફ ઇડીના દરોડામાં જમીનો બિનખેતી કરવાના પ્રકરણોમાં ઉઘરાણા કરવામાં આવતા હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની તાત્કાલીક અસરથી બદલી કરી તેને સામાન્ય વહીવટના હવાલે મુકી કોઇ નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. જયારે કલેકટરનો ચાર્જ ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને સોંપી દેવામાં આવ્યો છે.
ઇડીએ દરોડા પાડયા ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી રૂા.67.50 લાખની રોકડ કબજે કર્યા બાદ વધુ પુછપરછ દરમિયાન બીજા રૂા.બે કરોડની રોકડ રકમ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે.
આ સીવાય અન્ય કરોડો રૂપીયાના વ્યવહારોની નોટસ પણ મળી આવી છે જેમાં દલાલો- વકીલો અને એજન્ટો મારફત થયેલી લેતી-દેતીની વિગતો મળી આવી છે.
આ ભ્રષ્ટાચાર કાંડમાં એન્ટીકરપ્શન બ્યુરોમાં કલેકટર, તેના પીએ, નાયબ મામલતદાર અને કલાર્કક સામે ગુનો નોંધાવ્યો હોય એસીબી દ્વારા નાયબ નિયામકને તપાસ સોંપવામાં આવી છે ત્યારે નાયબ મામલતદાર સિવાયના સામે પણ પગલ તોળાઇ રહ્યા છે અને પી.એ. તથા કલાર્કની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે.
દરમિયાન જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની પુછપરછ અને તેની સામે કાર્યવાહી માટે પણ ઇ.ડી. દ્વારા નિયમાનુસાર સરકારની મંજુરી માંગવામાં આવી છે ત્યારે આ મંજુરી મળ્યા બાદ કલેકટરની પણ અટકાયત કરવામાં આવે તેવી પુરી શકયતા દર્શાવાય છે. હાલ કલેકટરની નવા પોસ્ટીંગ વગર બદલી કરી નાખવામાં આવી છે. ટુંક સમયમાં ઇ.ડી. મોટા ધડાકા કરે તેવા નિર્દેશો મળે છે.
સુરેન્દ્રનગર કલેકટરની બદલી, પોસ્ટિંગ વગર રાખી દેવાયા
આર્થિક બાબતોને લઈને વિવાદમાં આવેલા સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરીને તેમને ‘વેઇટિંગ ઇન પોસ્ટીંગ’ની કેટેગરીમાં મુકી દેવાયા છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરનો ચાર્જ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી યાજ્ઞિકને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને કેટલાક અન્ય સરકારી અધિકારીઓના આર્થિક કૌંભાડની જાણ ગુજરાતની કોઈ એજન્સીને થાય તે પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટરને થઈ હતી. જેના પગલે ઈડીએ સુરેન્દ્રનગરમાં માખણ અને મલાઈ મળે તેવી જગ્યાએ ફરજ બજાવતા સરકારી અધિકારીઓને સાણસામાં લીધા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટરની ગાંજ પડી હોવાના વાવડ ગાંધીનગર પહોચતા જ સરકાર પણ એકશનમાં આવી ગઈ હતી. ઈડીના દરોડાના 24 કલાક પૂર્ણ થતા જ સરકારે, રાતોરાત સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરને ખાતા વિહોણા કરી નાખ્યા છે.
