ઉના-દીવ હાઈવે પર બે કારની આમને-સામને ટક્કર: ભોપાલના પરિવાર સહિત 5 ઘાયલ

સોમનાથ દર્શન કરી દીવ જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો : હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફિકજામ ઉના-દીવ હાઈવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. અકસ્માત ઝોન…

સોમનાથ દર્શન કરી દીવ જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો : હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફિકજામ

ઉના-દીવ હાઈવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલા આ માર્ગ પર આજે બપોરે નાળિયા માંડવી નજીક નગીના ના ઢોરા પાસે બે કાર ધડાકાભેર આમન ેસામનેઅથડાતા હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાયા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત કુલ 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના ભોપાલ શહેરના રહેવાસી અને એરપોર્ટ પર ફરજ બજાવતા લેખરામ શિવચરણ નામદેવ (ઉં.વ. 45 ) પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને ખાનગી કારમાં દીવ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે પત્ની મધુલિકા નામદેવ, પુત્ર શિવમ નામદેવ અને પુત્રી આસ્થા નામદેવ પણ હતા. બપોરના સમયે તેઓ નાળિયા માંડવી ગામ નજીક નગીના ના ઢોરા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી દીવ પાસિંગની અન્ય એક કારે તેમની કારને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો અને કારમાં સવાર લોકો ફંગોળાઈને બહાર પટકાયા.

આ ગોઝારા અકસ્માતમાં ભોપાલના નામદેવ પરિવાર ના 3 સભ્યો ઘવાયા છે. લેખરામ નામદેવ અને તેમના પત્ની મધુલિકા નામદેવ ને હાથ-પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે, જ્યારે પુત્ર શિવમ ને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સામે દીવ તરફથી આવી રહેલી કારમાં સવાર ગાંધીનગરના એલીસ પટેલ (ઉં.વ. 26) અને ગૌરવ મેવાડા (ઉં.વ. 28)ને પણ ઈજાઓ થઈ છે. હાલ તમામ ઈજાગ્રસ્તો ઉનાની ખાનગી હોસ્પિટલમાંસારવાર હેઠળ છે.

અકસ્માત બાદ બંને કાર રોડ વચ્ચે જ ફસાઈ જતા ઉના-દીવ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.ઘટનાની જાણ થતા જ નવાબંદર મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને કારને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડ અથવા ઓવરટેકને કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *