આંતરરાષ્ટ્રીય

આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ

ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વવ્યાપી ટેરિફ નીતિને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. 20 ફેબ્રુઆરીએ 6-3ના મતે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા વ્યાપક ટેરિફને ગેરકાનૂની જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ આજે મંગળવારે રાત્રે 12:01 વાગ્યેથી (ભારતીય સમય અનુસાર સવારે 10:30) IEEPA ટેરિફની વસૂલી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.

નિષ્ણાતોના અનુમાન મુજબ અમેરિકી સરકારને આ અમાન્ય ટેરિફના રૂૂપે વસૂલ કરેલા ₹16 લાખ કરોડ (લગભગ 175 અબજ ડોલર) પરત કરવા પડી શકે છે. પેન વ્હાર્ટન બજેટ મોડલના અર્થશાસ્ત્રીઓએ આ આંકડો આપ્યો છે. રોજની ₹4,500 કરોડની વસૂલી અટકી જવાથી અમેરિકી અર્થતંત્ર પર વધુ દબાણ વધ્યું છે.
IEEPA કાયદો રાષ્ટ્રીય કટોકટીના સમયે વિદેશી આર્થિક વ્યવહારોને નિયંત્રિત કરવાની પરવાનગી આપે છે. ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને ડ્રગ્સની તસ્કરી અને વેપાર અસંતુલનને કારણે કેનેડા, મેક્સિકો, ચીન અને વિશ્વના અન્ય દેશો પર વ્યાપક ટેરિફ લાદ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સે લખેલા ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, IEEPAમાં ટેરિફ અથવા ડ્યુટીનો કોઈ ઉલ્લેખ નથી. કોંગ્રેસે ક્યારેય ‘રેગ્યુલેટ’ શબ્દનો ઉપયોગ કરીને ટેક્સેશનની સત્તા આપી નથી. કોર્ટે કહ્યું કે આ સત્તા માત્ર કોંગ્રેસને જ છે, પ્રમુખને નહીં.

ચુકાદા બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, જો કોઈ દેશ અમેરિકા સાથે વેપાર સોદામાં રમત રમશે તો હું તેના પર વધુ ઊંચા ટેરિફ લાદીશ. તેમણે આ ચુકાદાને ‘મૂર્ખતાપૂર્ણ’ ગણાવ્યો અને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અજાણતાં મને વધુ સત્તા આપી દીધી છે. ટ્રમ્પે તરત જ ટ્રેડ એક્ટ 1974ની સેક્શન 122 હેઠળ વિશ્વભરના તમામ આયાત પર 15 ટકા યુનિફોર્મ ગ્લોબલ ટેરિફ લાગુ કરી દીધા છે. આ પહેલાં વિવિધ દેશો પર અલગ-ઢ્ઢલગ રેટ હતા ભારત પર ક્યારેક 50 ટકા સુધી પણ પહોંચી ગયા હતા, જે પછી 18 ટકા કરવામાં આવ્યા હતા. હવે સરખા 15 ટકા લાગુ થશે.

સેક્શન 122 હેઠળનો આ ટેરિફ 150 દિવસ માટે વિના કોંગ્રેસની મંજૂરીએ લાગુ રહી શકે છે. કેટલાક કૃષિ ઉત્પાદનો (બીફ, ટમેટા, સંતરા), ક્રિટિકલ મિનરલ્સ, દવાઓ, કેટલાક ઈલેક્ટ્રોનિક્સ અને પેસેન્જર વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ ચુકાદાથી અમેરિકા અને વિશ્વ વચ્ચે વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાની આશંકા છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો જેમણે 10 ટકા ટેરિફ પર સમજૂતી કરી હતી, તેઓ હવે 15 ટકા ભરવાનો વિરોધ કરી રહ્યા છે. સેક્શન 232 (નેશનલ સિક્યોરિટી) અને સેક્શન 301 (અનફેર ટ્રેડ) હેઠળના ટેરિફ હજુ ચાલુ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે અન્ય કાયદાઓ, લાયસન્સિંગ અને સખત અમલીકરણ દ્વારા ટેરિફ વસૂલીની નવી રીતો શોધી રહ્યું છે.

રીયુટર્સ અનુસાર IEEPA ટેરિફથી રોજ 50 કરોડ ડોલરથી વધુ વસૂલાત થતી હતી. હવે કંપનીઓ રિફંડ માટે કોર્ટમાં જઈ શકે છે. આ પરિસ્થિતિ અમેરિકી અર્થવ્યવસ્થાને પણ અસર કરશે, કારણ કે ટેરિફની આવક અડધી ઘટી જશે.

ભારતીય વેપારીઓ અને નિકાસકારો હાલમાં અનિશ્ચિતતાના વાતાવરણમાં છે. ગુજરાતના અનેક ઉદ્યોગપતિઓએ અમેરિકી બજાર પર આધાર રાખ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ મામલે નજર રાખીને વિકલ્પો તૈયાર કરવાની તૈયારી શરૂૂ કરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર વિશેષજ્ઞોનું માનવું છે કે આ ચુકાદો ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને મોટો પડકાર છે અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં નવા ફેરફારો લાવી શકે છે.

 

અમેરિકા-ભારત વચ્ચે મધ્યવર્તી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીત રદ
ભારત માટે આ ચુકાદો મિશ્ર છે. એક તરફ IEEPA ટેરિફ અટક્યા છે, તો બીજી તરફ 15 ટકા નવા ગ્લોબલ ટેરિફ લાગુ થયા છે. ભારત અને અમેરિકા વચ્ચે ઈન્ટરિમ ટ્રેડ એગ્રીમેન્ટ (ITA) પર વોશિંગ્ટનમાં થનારી વાતચીત રદ થઈ ગઈ છે. ગુજરાતના ટેક્સટાઈલ, ફાર્મા, ડાયમંડ-જ્વેલરી અને ઈન્જિનિયરિંગ ગુડ્સના અમેરિકી બજાર પર અસર પડી શકે છે. ચીન પર પહેલેથી જ સેક્શન 301 હેઠળ ટેરિફ ચાલુ છે અને હવે તેના પર પણ 15 ટકાનો વધારાનો બોજો આવ્યો છે.

દગાબાજ દેશોએ ચિક્કાર ટેરિફ દેવો પડશે: ટ્રમ્પ વિફર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને અવગણીને ફરી એકવાર એક મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, ’જે કોઈ દેશ સુપ્રીમ કોર્ટના આ વિચિત્ર નિર્ણય સાથે રમત રમવા માંગે છે, ખાસ કરીને જે દેશ વર્ષો અને દાયકાઓથી અમેરિકા સાથે દગો કરે છે, તેમને ઘણા ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે, અને તાજેતરમાં જે ટેરિફ પર સંમત થયા છે તેના કરતા પણ ખરાબ.’ ટ્રમ્પે આ વિધાન રશિયન મિત્ર ભારત સહીતના દેશો કોઇ ચાલાકી ન કરે એ માટે ઉચ્ચાર્યું હોવાનું માનવામાં આવે છે. ગયા અઠવાડિયાની શરૂૂઆતમાં, શનિવારે, ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તમામ દેશોમાંથી આયાત પર હાલનો 10% વૈશ્વિક ટેરિફ વધારીને 15% કરવામાં આવશે, જે તાત્કાલિક અમલમાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઘણા દેશો દાયકાઓથી કોઈપણ જવાબદારી વિના યુનાઇટેડ સ્ટેટ્સનું શોષણ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની સરકાર આને સંપૂર્ણપણે બંધ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં, તેઓ વધુ નવા ટેરિફ લાદશે જે સંપૂર્ણપણે કાયદેસર અને કાયદેસર હશે. તેમનો ધ્યેય અમેરિકાને વધુ મજબૂત, સમૃદ્ધ અને પહેલા કરતાં વધુ મહાન બનાવવાનો છે મેક અમેરિકા ગ્રેટ અગેઇન સ્તરથી પણ આગળ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *