ટ્રમ્પ પર લગામ; સંસદની મંજૂરી વગર અમેરિકા યુદ્ધની જાહેરાત નહીં કરી શકે

સંસદના નીચલા ગૃહમાં રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારો પર કાપ મૂકતો ઠરાવ પસાર અમેરિકાના રાજકારણ અને વિદેશ નીતિને લઈને વોશિંગ્ટનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી…

સંસદના નીચલા ગૃહમાં રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારો પર કાપ મૂકતો ઠરાવ પસાર

અમેરિકાના રાજકારણ અને વિદેશ નીતિને લઈને વોશિંગ્ટનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના સૈન્ય અધિકારો પર કાપ મૂકતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસ્તાવ બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવ અનુસાર, હવે રાષ્ટ્રપતિ સંસદ (કોંગ્રેસ) ની પૂર્વ મંજૂરી વિના ઈરાન વિરૂૂદ્ધ કોઈ પણ પ્રકારની સીધી સૈન્ય કાર્યવાહી કે યુદ્ધની જાહેરાત કરી શકશે નહીં. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે સૈન્ય તણાવની વચ્ચે યુએસ સંસદનું આ કદમ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થયેલું આ મતદાન એટલા માટે ઐતિહાસિક છે કારણ કે તેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના કેટલાક વરિષ્ઠ સાંસદોએ પણ પક્ષની લાઇનથી અલગ જઈને વિરોધ પક્ષ ડેમોક્રેટ્સના આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. સંસદના સભ્યોનું માનવું છે કે બંધારણ મુજબ દેશને કોઈ પણ યુદ્ધમાં ઝોંકતા પહેલાં લોકશાહી ઢબે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ બિલનો શરૂૂઆતથી જ સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે નુકસાનકારક ગણાવવામાં આવ્યું હતું, છતાં ગૃહમાં આ પ્રસ્તાવ ભારે બહુમતીથી પસાર થઈ ગયો હતો.

આ પસાર કરાયેલા પ્રસ્તાવ સીધા ‘વોર પાવર્સ એક્ટ’ સાથે જોડાયેલા છે. આ કાયદાકીય જોગવાઈનો મુખ્ય હેતુ અમેરિકી રાષ્ટ્રપતિને સંસદની જાણ બહાર અથવા તેની અવગણના કરીને વિદેશી ધરતી પર અમેરિકી સૈનિકોને યુદ્ધના મેદાનમાં ઉતારતા રોકવાનો છે. ગૃહના અગ્રણી નેતાઓએ આ અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ઈરાન સાથેની પ્રવર્તમાન પરિસ્થિતિઓ જોતા વહીવટી તંત્રના કોઈ પણ આક્રમક પગલાથી વૈશ્વિક સ્તરે મોટું સંકટ ઊભું થઈ શકે છે. તેથી, સૈન્ય શક્તિઓનો ઉપયોગ સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક અને સંસદીય દેખરેખ હેઠળ જ થવો જોઈએ તે સમયની માંગ છે.

આ બિલ હવે આગામી કાયદાકીય પ્રક્રિયા માટે સેનેટમાં મોકલવામાં આવશે. જો કે, વિશ્ર્લેષકોના મતે સેનેટમાં રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ હોવા છતાં, નીચલા ગૃહમાં જે પ્રકારે બહુમતીથી આ પ્રસ્તાવ પાસ થયો છે, તેનાથી ટ્રમ્પ પ્રશાસન પર ઈરાન નીતિને લઈને નૈતિક અને રાજકીય દબાણ ખૂબ જ વધી જશે. આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમની સીધી અસર આગામી દિવસોમાં મધ્ય પૂર્વના દેશો, કાચા તેલના બજાર અને અમેરિકાની વૈશ્વિક સૈન્ય વ્યૂહરચના પર વ્યાપક પ્રમાણમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *