ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી

અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…

અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે

ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને અમેરિકા તરફથી ભારે ટેરિફ (વેપાર કર) નો સામનો કરવો પડશે. ટ્રમ્પના મતે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષણાત્મક વ્યૂહરચના માટે ગ્રીનલેન્ડ પર કબજો મેળવવો હવે અનિવાર્ય બની ગયો છે અને તેઓ તેને મેળવીને જ જંપશે.

ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે અને તે ડેનમાર્ક રાજ્યનો એક ભાગ હોવા છતાં સ્વ-શાસિત પ્રદેશ છે.ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી આગ્રહ કરી રહ્યા છે કે આ ટાપુ પર અમેરિકાનું આધિપત્ય હોવું જોઈએ. અગાઉ 2019 માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમણે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને ડેનમાર્કે ‘વિચિત્ર’ અને ‘અયોગ્ય’ ગણાવીને તે સમયે નકારી દીધી હતી. જોકે, આ વખતે ટ્રમ્પે સીધી રીતે ટેરિફ લાદવાની ધમકી આપીને આ આંતરરાષ્ટ્રીય મુદ્દાને અત્યંત ગંભીર વળાંક આપ્યો છે.

ટ્રમ્પના આ આક્રમક વલણનો ડેનમાર્ક સહિત સમગ્ર યુરોપિયન યુનિયન દ્વારા આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુરોપિયન નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વિશ્વના આ સૌથી મોટા ટાપુ પર પોતાની મરજી મુજબ જબરદસ્તીથી નિયંત્રણ કરી શકે નહીં. અત્યારે આખું યુરોપ આ મામલે ડેનમાર્કની પડખે મક્કમતાથી ઊભું છે. ડેનમાર્ક સરકારે પણ પોતાનું જૂનું વલણ દોહરાવતા સ્પષ્ટ કહી દીધું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. ટ્રમ્પની આ જીદને કારણે અમેરિકા અને યુરોપ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર તિરાડ પડવાની અને તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *