અમેરિકી અદાલત વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગયાનો આક્ષેપ: આવા ન્યાયાધીશો સામે શરમ આવે છે
135 અબજ ડોલર ટેરિફ તો અમેરિકી તિજોરીમાં જમા થઇ ગયો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય કટોકટીમાં ઉપયોગમાં લેવા માટેના કાયદા હેઠળ અપનાવાયેલા વ્યાપક ટેરિફને ફગાવી દીધા છે. વૈશ્વિક અર્થતંત્રને સખત પ્રભાવિત કરનારા ટ્રમ્પના ટેરિફના આત્યંતિક અધિકારને ન્યાયમૂર્તિઓએ નકારી કાઢયો છે. સુપ્રિમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યા બાદ, યુએસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શુક્રવારે એક એકિઝકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં તમામ દેશો પરના હાલના ટેરિફને રદ કર્યા અને 1974ના ટ્રેડ એકટની કલમ 122 અંતર્ગત નવા 10 ટકા ગ્લોબલ ટેરિફની જાહેરાત કરી હતી.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા છે. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગઇ છે, તેથી અમે વધુ 10 ટકા ટેરિફ ઝિંકીશું.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરતા કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ટેરિફ અંગે આપેલો ચુકાદો ખૂબ જ નિરાશાજનક છે. અમને તેમની પાસેથી આવા ચુકાદાની આશા રાખી ન હતી. સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળી નથી. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તે અમેરિકાના હિતમાં નથી. મને કોર્ટના કેટલાક ન્યાયાધીશો પર શરમ આવી રહી છે. દેશ માટે યોગ્ય કામ કરવાની જજોમાં હિમ્મત નથી.
તેમણે એમ પણ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે દેશના હિતમાં ચુકાદો આપ્યો નથી. કોર્ટ વિદેશી હિતોથી પ્રભાતીત હોય છે અને મને આવા નિર્ણયની આશા ન હતી. જે દેશો આપણને વર્ષોથી લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખુશ થશે.
જોકે તેઓ વધુ સમય સુધી ખુશ નહીં રહી શકે. અમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીશું. એવું થઈ શકે છે કે, અમે વધુ પૈસા લઈએ. અમારી પાસે હજુ પણ મજબૂત વિકલ્પો ઉપલ્બધ છે.’ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફસ પહેલા અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે.
ટ્રમ્પે લગભગ તમામ વિદેશી વેપાર ભાગીદારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદાલતોએ તેમના ચુકાદામાં ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. તા.14 ફેબ્રુઆરી સુધીમાં અમેરિકન સરકારે 135 અબજ ડોલર ટેરિફ એકત્ર કર્યા છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના 6 વિરુદ્ધ 3 જજના બહુમતી ચુકાદામાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટસ જણાવે છે કે ટેરિફના આર્થિક ફાયદા કે ગેરફાયદા અંગે ચર્ચામાં નહીં પડતા બંધારણ અનુસાર આ પ્રકારે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નથી. આકસ્મિક સંજોગોમાં ટેક્સ લાદવાની સત્તા ટ્રમ્પ વાપરી રહ્યા છે જે અમેરિકન બંધારણ અનુસાર તેમની પાસે નથી. માત્ર અમેરિકન કોંગ્રેસ જ આ સત્તાનો ઉપયોગ કરી શકે.
મોદીએ 18 દિવસ રાહ જોઇ હોત તો ભારત ફસાઇ ન જાત: કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીએ આજે આરોપ લગાવ્યો હતો કે યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને રદ કર્યા પહેલા ભારતે ઉતાવળે અમેરિકા સાથે “એકપક્ષીય અને ભારત વિરોધી” વેપાર કરાર કર્યો હતો. પાર્ટીએ કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો ભારતે 18 દિવસ રાહ જોઈ હોત, તો તે આવા કરારમાં ફસાઈ ન હોત. કોંગ્રેસ નેતા પવન ખેરાએ સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ફેબ્રુઆરીએ મોડી રાત્રે વોશિંગ્ટનને કેમ ફોન કર્યો. તેમણે કહ્યું હતું કે, “જો ભારતે માત્ર 18 દિવસ રાહ જોઈ હોત, તો કદાચ આપણે એકપક્ષીય અને ભારત વિરોધી વેપાર કરારમાં ફસાઈ ન ગયા હોત.
