બાંગ્લાદેશના કોક્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક હિંદુ મંદિરમાં સેવા આપતા પુજારીનો મૃતદેહ વૃક્ષ પરથી લટકતો મળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પુજારી છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતા, જેના કારણે સ્થાનિક હિંદુ સમુદાયમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ નયન દાસ તરીકે થઈ છે, જે સ્થાનિક નાગ પંચમી મંદિર સાથે સંકળાયેલા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તેમનો મૃતદેહ ગળામાં સ્કાર્ફ બાંધેલી હાલતમાં એક વૃક્ષ પરથી લટકતો જોવા મળ્યો હતો. ઘટનાકોક્સ બજાર સદર ઉપજિલ્લા ના ખુરુશખુલ યુનિયનના એક દૂરસ્થ પહાડી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. નયન દાસ 19 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે અજાણ્યા ફોન કોલ મળ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ 20 એપ્રિલે પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો અને સહકર્મીઓ દ્વારા શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી.
બુધવારે બપોરે આશરે 30-35 લોકોના એક જૂથે પહાડી વિસ્તારમાં શોધ દરમિયાન સૌપ્રથમ મૃતદેહ જોયો અને તરત જ પોલીસને જાણ કરી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના આત્મહત્યા છે કે હત્યા. સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોએ આ ઘટનાની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.
