ભારત અને અમેરિકા વચ્ચે અંતે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર કરારનું બધું નક્કી થઈ ગયું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો સોમવારે જ તેની જાહેરાત કરી નાખેલી પણ ભારતે ટ્રમ્પની વાતમાં હાજીયો નહોતો પૂરાવ્યો તેથી અવઢવ હતી. મંગળવારે સાંજે આપણા વ્યાપાર પ્રધાન પિયૂષ ગોયલે ટ્રમ્પની વાત સાચી હોવાનું જાહેર કર્યું પણ ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલની શરતો શું છે તેનો ફોડ ના પાડ્યો તેના કારણે હજુ અવઢવ તો છે.
ગોયલે કરારની શરતોની વાત કરવાના બદલે રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરે છે તેની પારાયણ શરૂૂ કરી દીધી. રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવા માટે ગોયલે અમેરિકા સાથેના ટ્રેડ ડીલથી ખેડૂતો, માછીમારો, ઉદ્યોગો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઈ) વગેરેને બખ્ખાં થઈ જશે એ બધી વાતો પણ કરી પણ ખરેખર ડીલમાં શું છે છે તેની માંડીને વાત ના કરી. ગોયલે મોદીભક્તિ કરીને દાવો કર્યો કે, મોદીએ પોતાના ડોનલ્ડ ટ્રમ્પ સાથેના ગાઢ સંબંધો અને દોસ્તીનો ઉપયોગ કરીને ભારત માટે શક્ય શ્રેષ્ઠ કરાર કર્યો છે.
મીડિયાએ બહુ ઘોંચપરોણા કર્યા પછી ગોયલે મગનું નામ મરી ના જ પાડ્યું ને કરારની વિસ્તૃત વિગતો તો ના જ આપી. માત્ર એટલું બોલ્યા કે, કરારને લગતી ટેક્નિકલ પ્રક્રિયાઓ પૂરી થઈ જાય પછી ઔપચારિક રીતે સંયુક્ત જાહેરાત કરાશે. આ જાહેરાત ક્યારે કરાશે એ આપણને ખબર નથી પણ કોમેડી એ છે કે, કરારની વિગતો પૂરેપૂરી જાહેર થઈ નથી ત્યાં તો બહુમતી મીડિયાએ કરારને ઐતિહાસિક ગણાવીને તેનાં વખાણ શરૂૂ કરી દીધાં છે.
અત્યાર લગી આપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા નહોતા કેમ કે વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી ફાયદાનો સોદો નથી. હવે અમેરિકાનું ફરમાન છે એટલે આપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ લેવું પડશે. મોદી સરકારે અમેરિકાનું ફરમાન માથે ચડાવ્યું છે એટલે અચાનક આપણા મીડિયાને વેનેઝુએલા પાસેથી ભારત ક્રૂડ ઓઈલ લેવાના ફાયદાનું બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે અને વેનેઝુએલા પાસેથી ક્રુડની ખરીદીના શું ફાયદા થશે તેની વાતોનો મારો શરૂૂ થઈ ગયો છે.
આ વાતો મોં-માથા વિનાની છે પણ આ વાતની એ લોકોને કોઈ શરમ નથી. ભારત પહેલાં વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ નહોતું ખરીદતું કેમ કે વેનેઝુએલાના ક્રૂડની ક્વોલિટી સારી નથી. વેનેઝુએલાનું ક્રૂડ હેવી ક્વોલિટીનું હોવાથી તેને રીફાઈન કરવું અઘરું છે. ભારત પાસે સારી રીફાઈનરીઓ હોવાથી તેને રીફાઈન તો કરી શકાય પણ તેનો ખર્ચ વધારે આવે ને કચરો પણ વધારે નિકળે. વેનેઝુએલાના ક્રૂડમાં સલ્ફરનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી તેમાંથી બનતાં પેટ્રોલ-ડીઝલ સારી એવરેજ ના આપે. બીજું એ કે, વેનેઝુએલાથી ક્રૂડને ભારત લાવવાનો ટ્રાન્સપોર્ટેશનને ખર્ચ પણ બહુ મોંઘો પડે. એક અંદાજ પ્રમાણે, બેરલદીઠ લગભગ 4 ડોલરનો ખર્ચ વધી જાય. અત્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડનો ભાવ 60 ડોલરની આસપાસ છે એ જોતાં વેનેઝુએલાનું ક્રૂડ સાઉદી અરેબિયા, ઈરાક સહિતના દેશો કરતાં પાંચેક ટકા મોંધું પડે.
