રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લાદવાના નિર્ણયને પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વભરના બજારોમાં અસ્થિરતાનું વાતાવરણ છે અને દેશમાં પણ તેમનો વિરોધ શરૂૂ થઈ ગયો છે. જો કે, ટ્રમ્પે તેમના નિર્ણયથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે કેટલીકવાર વસ્તુઓને યોગ્ય બનાવવા માટે દવાની જરૂૂર પડે છે.
પોતાના ઓફિશિયલ પ્લેન એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે દુનિયાભરના બજારો ઘટે, પરંતુ મને તેની ચિંતા નથી. કેટલીકવાર તમારે વસ્તુઓને યોગ્ય બનાવવા માટે દવા લેવી પડે છે. તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓનું કહેવું છે કે ટેરિફ લાદવાની અસર દેખાવા લાગી છે અને 50 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું, મેં યુરોપ, એશિયા અને આખી દુનિયાના ઘણા નેતાઓ સાથે વાત કરી છે, તેઓ અમારી સાથે ડીલ કરવા માંગે છે, પરંતુ હવે અમે વેપાર ખાધ સહન નહીં કરીએ અને અમે તેમને આ સ્પષ્ટપણે કહી દીધું છે.
ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલ ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટેરિફ લાગુ થવાથી નવા આર્થિક યુગની પણ શરૂૂઆત થઈ શકે છે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસન્ટે કહ્યું કે અન્યાયી રીતે કારોબાર કરવો યોગ્ય નથી અને અમે જોઈશું કે જુદા જુદા દેશો અમને શું ઓફર કરે છે, ત્યારબાદ અમે આગળ નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે મંદી નહીં આવે. બજાર એક-બે દિવસ ટેરિફ પર પ્રતિક્રિયા આપશે, પરંતુ અમારો પ્રયાસ લાંબા ગાળાના આર્થિક સંબંધો બનાવવાનો છે. ટ્રમ્પ ટેરિફના મુદ્દે વિરોધ પ્રદર્શનો પ્રત્યે પણ સભાન છે. રવિવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેણે લખ્યું કે અમે જીતીશું, પરંતુ ત્યાં સુધી હિંમત જાળવી રાખો. આ બિલકુલ સરળ રહેશે નહીં. ટ્રમ્પે તેમના કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓને પણ સૂચના આપી છે કે તેઓ ટેરિફ લાદવાના સરકારના નિર્ણયનો બચાવ કરે અને વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર કરશે તેવા દાવાઓને નકારી કાઢે.