અમેરિકી સંસદના પાંચ પ્રભાવશાળી કાયદા ઘડનારાઓએ 25મો સુધારો લાગુ કરવા સત્તાવાર માંગ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. ઈરાન વિરુદ્ધ કરેલી અપમાનજનક ટિપ્પણી અને સોશિયલ મીડિયા પર વાપરેલી અશોભનીય ભાષાને કારણે હવે તેમની પોતાની સત્તા પર જોખમ ઉભું થયું છે. અમેરિકી સંસદના પાંચ પ્રભાવશાળી કાયદા ઘડનારાઓએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવા માટે 25મા સુધારાને લાગુ કરવાની સત્તાવાર માંગ કરી છે.
રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં વપરાયેલી ભાષા એટલી હદે વાંધાજનક હતી કે વિપક્ષી નેતાઓએ તેને ટ્રમ્પની માનસિક અસ્થિરતા ગણાવી દીધી છે. સેનેટર ક્રિસ મર્ફી અને કોંગ્રેસ વુમન યાસ્મીન અન્સારી જેવા નેતાઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પાગલ થઈ ગયા છે અને તેમના કારણે સમગ્ર વિશ્વ પર જોખમ મંડરાઈ રહ્યું છે. બેકા બેલિન્ટ જેવા સાંસદોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આવું નિવેદન ઓબામા કે બાઇડેને આપ્યું હોત, તો રિપબ્લિકન પાર્ટીએ હોબાળો મચાવી દીધો હોત.
અમેરિકી બંધારણનો 25મો સુધારો એવો કાયદો છે જે રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામું અથવા ફરજ બજાવવામાં અસમર્થતાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે. આ કાયદા મુજબ: જો કેબિનેટને લાગે કે રાષ્ટ્રપતિ માનસિક કે શારીરિક રીતે અસમર્થ છે, તો તેઓ પ્રસ્તાવ લાવી શકે છે. જો ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટની બહુમતી આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરે, તો સત્તા ઉપરાષ્ટ્રપતિના હાથમાં જાય છે. હાલની સ્થિતિમાં, જો ટ્રમ્પને હટાવવામાં આવે, તો જે.ડી. વાન્સ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી શકે છે. આ પ્રક્રિયા એટલી સરળ નથી. જો ટ્રમ્પ આ પ્રસ્તાવનો વિરોધ કરે, તો મામલો સંસદમાં જાય છે. ત્યાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં બે તૃતીયાંશ બહુમતી થી આ પ્રસ્તાવ પસાર થવો જરૂૂરી છે. તો જ રાષ્ટ્રપતિને પદ છોડવાની ફરજ પાડી શકાય છે.
નિવેદન બાદ ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા
ટ્રમ્પના નિવેદન બાદ તેઓ ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે, પરંતુ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પ્રતિનિધિ મેલાની સ્ટેન્સબેરીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે હસ્તક્ષેપ કરવામાં આવે, નહીં તો મોડું થઈ જશે. અમેરિકાના આ આંતરિક રાજકીય ખેંચતાણની અસર ઈરાન સાથેના સંબંધો અને વૈશ્વિક શાંતિ પર પણ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પની કેબિનેટ પોતાના જ નેતા વિરુદ્ધ આ કડક કાયદાનો ઉપયોગ કરવાની હિંમત બતાવશે કે નહીં.
