અમેરિકા ફરી એકવાર વૈશ્વિક વેપાર ક્ષેત્રે મોટો ફેરફાર કરતા ભારત અને ચીન સહિત કુલ 16 દેશો પર નવો ’ટેરિફ બોમ્બ’ ફેંકવાની તૈયારી કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી 2026માં યુએસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાદવામાં આવેલા જૂના ટેરિફના સ્થાને હવે નવા અને કડક આયાત ટેરિફ લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ નવા પગલાં હેઠળ ભારતને ભારે કરવેરાનો સામનો કરવો પડી શકે તેવી પ્રબળ શક્યતા છે.
મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, ટ્રમ્પ પ્રશાસન આ અઠવાડિયા દરમિયાન જ નવા ટેરિફ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. યુએસ વેપાર પ્રતિનિધિ (USTR) જેમ્સન ગ્રીર ટૂંક સમયમાં ચીન, યુરોપિયન યુનિયન અને ભારત સહિત અન્ય 14 દેશોમાં આપવામાં આવતી ઔદ્યોગિક સબસિડી અંગે મહિનાઓથી ચાલી રહેલી તપાસના તારણો જાહેર કરશે, જેના આધારે આ નવા ટેક્સ લાગુ કરવામાં આવશે.
પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ જે દેશો પર સૌથી વધુ ટેરિફ લાદવાની તૈયારી છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને વિયેતનામ પર યુરોપિયન યુનિયન (EU), જાપાન અને દક્ષિણ કોરિયાની સરખામણીમાં ઘણો ઊંચો ટેરિફ લાદવામાં આવી શકે છે. જોકે, ભારત માટે ચોક્કસ ટેરિફ દર કેટલો હશે તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બીજી તરફ, EU, જાપાન અને દક્ષિણ કોરિયા પર 15 ટકા કે તેથી ઓછો ટેરિફ રહેવાની ધારણા છે, જ્યારે તમામ દેશોમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવશે તેવું મનાય છે.
અમેરિકાનું માનવું છે કે આ 16 દેશોની સરકારો દ્વારા સ્થાનિક ઉદ્યોગોને મોટા પાયે સબસિડી આપવામાં આવે છે. જેના કારણે વિદેશી કંપનીઓ અત્યંત ઓછી કિંમતે માલનું ઉત્પાદન કરીને વૈશ્વિક બજારોમાં સસ્તો માલ ઠાલવી રહી છે. આ સ્થિતિને કારણે અમેરિકન ઉત્પાદકોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. નવા ટેરિફ લક્ષિત દેશોમાંથી અમેરિકામાં નિકાસ થતા મોટાભાગના ઉત્પાદનો પર લાગુ થશે. જોકે, પ્રાથમિક માહિતી મુજબ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ્સ જેવા કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોને આ નવા ટેરિફમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
