RSS અને RAW પર ટ્રમ્પ સરકાર પ્રતિબંધ મૂકે

યુનાઇટેડ સ્ટેટસ કમિશન અને ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ દ્વારા ભલામણ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ…

યુનાઇટેડ સ્ટેટસ કમિશન અને ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ દ્વારા ભલામણ

યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ પર પ્રતિબંધની માંગ કરી છે. વિશ્વમાં ધાર્મિક સ્વતંત્રતાની દેખરેખ માટે બનેલા આ કમિશને તેના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને જણાવ્યું છે કે ભારતના RSS અને RAW પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

યુએસના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ દ્વારા ભારત માટે કરવામાં આવેલી ભલામણોમાં RSS અને RAW સામે લક્ષિત પ્રતિબંધો ઉપરાંત, અમેરિકન નાગરિકોના ઉત્પીડનના આધારે ભારતને શસ્ત્રોના વેચાણ પર રોક લગાવવાની વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના ભવિષ્યના લશ્કરી અને વ્યાપારી સંબંધો ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા હોવા જોઈએ.

અમેરિકન પેનલે RSS પર જે પ્રતિબંધોની માંગ કરી છે, તેમાં સંગઠનની મિલકતો જપ્ત કરવી અને તેના સભ્યોના અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવવાનો સમાવેશ થઈ શકે છે. RSS ભારતમાં 1925 થી કાર્યરત છે, એટલે કે તે 100 વર્ષથી પણ વધુ જૂનું સંગઠન છે. દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ સામે પણ પંચે ભલામણ કરી છે.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી પંચ (USCIRF) ના 2026 ના વાર્ષિક અહેવાલમાં આ ભલામણો કરવામાં આવી છે. આ રિપોર્ટ આ મહિનાની શરૂૂઆતમાં બહાર પાડવામાં આવ્યો છે. USCIRF એ અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી છે, જે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર નજર રાખે છે અને વ્હાઇટ હાઉસને સૂચનો આપે છે. જોકે, વ્હાઇટ હાઉસ આ સૂચનો માનવા માટે બંધાયેલું નથી.

18 દેશોનો સમાવેશ
ભારત તે 18 દેશોમાં સામેલ છે જેને પંચે વિશેષ ચિંતા ધરાવતા દેશો તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ દેશોમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચીન, ક્યુબા, એરિટ્રિયા, ઈરાન, લિબિયા, નિકારાગુઆ, નાઈજીરિયા, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, સાઉદી અરેબિયા, સીરિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *