અમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ

અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની…

અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની પહેલી ઇનિંગમાં અમેરિકાનો દરજજો અરધો ઓછો કરી આપ્યો અને હે તેઓ અમેરિાને નરક બનાવવામાં વ્યસ્ત થઇ ગયા છે. સ્વયં અમેરિકી પ્રજા એના આ ઉરાંગ ઉટાંગ પ્રેસિડેન્ટથી ત્રાહિમામ પોકારી ગઇ છે. એમાં વળી એમણે ભારત અને ચીનને નરકના દ્વાર કહેવાનો નવો બકવાસ કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ભલે ભારતને અમેરિકાનું સાથી ગણાવતા હોય ને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતા હોય પણ ભારતીયો માટેની તેમની નફરત તેમના નિર્ણયોથી માંડીને નિવેદનો સુધી ઘણે ઠેકાણે વારંવાર છતી થઈ જાય છે.

ટ્રમ્પે આ નફરતને ફરી એક વાર છતી કરતાં અમેરિકાના જાણીતા વિશ્ર્લેષક માઈકલ સેવેજના ભારત, ચીન સહિતના એશિયાના દેશોને હેલહોલ એટલે કે નરકનો ખાડો ગણાવતા નિવેદનને સોશ્યલ મીડિયા પર રિપોસ્ટ કર્યું છે. સેવેજે એક રેડિયો ટોક શોમાં ભારત, ચીન સહિતના દેશો સામે બેફામ લવારા કરેલા. ટ્રમ્પે આ રેડિયો શોની આખી ટ્રાન્સ્ક્રીપ્ટ જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટસ પર મૂકી દીધી છે. કોઈ પણ વ્યક્તિ કોઈની વાતને રીપોસ્ટ કરે તેનો મતલબ એ છે કે, એ વ્યક્તિની વાતને ટેકો આપે છે. ટ્રમ્પે સેવેજની આખી ટ્રાન્સ્ક્રીપ્ટ મૂકીને તેને ટેકો આપ્યો તેનો અર્થ એ થાય કે, ટ્રમ્પ પણ સેવેજ જેવા નમૂનાઓની જેમ ભારતને નરકનો ખાડો જ માને છે. અમેરિકામાં જન્મતાં બાળકોને અમેરિકાની નાગરિકતા આપવાના કાયદાનો વિરોધ કરતાં સેવેજે ‘બર્થ ટુરિઝમ’ શબ્દો વાપરતાં કહેલું કે, ભારત, ચીન અને બીજા તેમના જેવા નરકના ખાડા જેવા દેશોમાંથી સ્ત્રી ગર્ભાવાસ્થાના છેલ્લા તબક્કામાં હોય ત્યારે અમેરિકામાં ઘૂસી જાય છે અને પોતાના સંતાનને અમેરિકામાં જન્મ આપે છે તેથી બાળકને આપોઆપ અમેરિકાની નાગરિકતા મળી જાય છે.

એ પછી ભારત અને ચીન સહિતના દેશોમાંથી પરિવારના સભ્યોને અમેરિકા લાવે છે અને અમેરિકામાં જામી જઈને અમેરિકનોના અધિકારોને છિનવી લે છે એ જોતાં આ બર્થરાઈટ સિટીઝનશિપના કાયદાને રદ કરી દેવાની જરૂૂર છે. અમેરિકાનું બંધારણ બન્યું ત્યારે વિમાનો નહોતાં તેથી બંધારણના ઘડવૈયાઓને આ રીતે વિમાનનો ઉપયોગ કરીને બર્થરાઈટ સિટીઝનશિપના કાયદાનો દુરુપયોગ કરાશે એવી કલ્પના નહીં હોય પણ આપણે નજર સામે આ બધું જોઈ રહ્યા છીએ એ જોતાં બંધારણ સુધારવું જ જોઈએ. સેવેજે એવું સૂચન પણ કર્યું કે, આપણે બર્થરાઈટ સિટીઝનશિપનો મુદ્દો અદાલતો પર છોડ્યો છે પણ તેના બદલે અમેરિકાનાં લોકોનો અભિપ્રાય લેવો જોઈએ. સેવેજે આ વાત ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં લોકોના સંદર્ભમાં કરી હોત તો સમજ્યા પણ તેમણે અમેરિકામાં કાયદેસરના વિઝા લઈને આવતા અને અમેરિકામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી સહિતનાં ક્ષેત્રોમાં કામ કરતાં લોકો માટે કહી ને તેમને લેપટોપવાળા ગુંડા કહ્યા છે.

સેવેજે કહેલું કે, મારા મતે તો ભારત, ચીન સહિતના નરક જેવા દેશોમાંથી આવતાં આ લોકો લેપટોપવાળા ગેંગસ્ટર જ છે અને તેમણે અમેરિકામાં ગુનાખોરી આચરનારા માફિયા પરિવારોથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું છે. આ લોકોએ આપણને પૂરપૂરા લૂંટી લીધા છે, આપણે સેક્ધડ ક્લાસ સિટીઝન હોઈએ એવો વ્યવહાર આપણી સાથે કર્યો છે, આપણા રાષ્ટ્રધ્વજને પગ તળે કચડયો છે અને અમેરિકાને ભ્રષ્ટ કરી નાખ્યું છે.
સેવેજે બીજા પણ બહુ બધા આઘાતજનક લવારા કર્યા છે પણ આઘાકજનક વાત સેવેજના લવારાને ટ્રમ્પનું સમર્થન છે. કોઈ પણ દેશમાં અત્યંત આત્યંતિક વિચારો ધરાવતા લોકો હોય જ છે.

એ લોકો કોઈ પણ તર્ક વિના જીભે જે પણ ચડે એ ઓકીને માહોલ બગાડવા મથતા જ હોય છે. ભારતમાં પણ હિંદુઓ સામે ઝેર ઓકનારા મુસ્લિમ નમૂના છે ને મુસ્લિમોને તગેડી મૂકવાની વાતો કરનારા હિંદુવાદી મૂરખો છે જ. એ બધા પોતપોતાની દુકાનો ચલાવવા માટે ઝેર ઓક્યા કરે છે પણ ભારતના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ તેમની ઝેરીલી વિચારધારાને પોષતા નથી. અહીં તો ટ્રમ્પ ખુલ્લેઆમ ભારતને નર્ક ગણાવતી વિચારધારાને પોષી જ નથી રહ્યા પણ તેનો પ્રચાર પણ કરી રહ્યા છે. એક રાષ્ટ્રના વડા આવી સાવ નીચ માનસિકતાને પોષે એ જોઈને આઘાત લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *