ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26

તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…

તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા

દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો પડી ગયો છે અને દરેક દેશની પોતાની સંકટ સામે ઝઝુમવાની ક્ષમતાની કસોટી ચાલુ થઇ ગઇ છે ત્યારે ખુદ અમેરિકા હવે શાંતિ તરફનો એક નવો સમાંતર પ્રવાહ વહેતો રાખીને યુધ્ધના અંત માટે નિવેદનો કરી રહ્યું છે ત્યારે સામે પક્ષે ઇરાન બહારથી આક્રમક હોવા છતાં સ્વદેશમાં એની આર્થિક કમર તુટી જતા એક કરોડ રૂપિયાની કરન્સી છાપીને બહાર પાડવી પડી છે. જે એક કરોડની નોટનું મુલ્ય ભારતીય ચલણમાં માત્ર 700-800 રૂપિયા જ થાય છે. ઇરાની પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. આ સંયોગો વચ્ચે પાકિસ્તાનમાં ઇરાન-અમેરિકાની સીધી વાતચીતનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.

લાંબા સમયથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર અમેરિકા-ઈરાન યુદ્ધનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે. અમેરિકાએ સત્તાવાર રીતે ઈરાન સાથેનું આ યુદ્ધ સમાપ્ત કરવા માટેની એક તારીખ જાહેર કરી દીધી છે. અમેરિકાના મતે, આગામી 9 એપ્રિલ, 2026 ના રોજ આ યુદ્ધનો ઔપચારિક અંત આવી શકે છે. ઈરાનને અગાઉ અપાયેલા અલ્ટીમેટમનો સમય પૂરો થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ શાંતિના સંકેતોએ આખી દુનિયાને મોટી રાહત આપી છે. ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પર આગામી 5 દિવસ સુધી કોઈ હુમલો ન કરવાનું વચન આપ્યું છે અને દાવો કર્યો છે કે 15 જેટલા મહત્વના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતી બની ગઈ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જોકે, શરૂૂઆતમાં ઈરાને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થતી હોવાનો સાફ ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેમણે સ્વીકાર્યું કે પડદા પાછળ વાટાઘાટો ચાલી રહી છે.

ટ્રમ્પે એક મોટો દાવો કરતા કહ્યું છે કે, “ઈરાનનું હાલનું નેતૃત્વ લગભગ સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેની હાલ ગુમ છે અને કોઈને ખબર નથી કે તેમનું શું થયું છે.” ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો ઈરાન સાથે આ શાંતિ કરાર સફળ થશે, તો આખી દુનિયામાં તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

ટ્રમ્પે આક્રમક અંદાજમાં કહ્યું કે, “અમેરિકાએ ઈરાનમાં જે કંઈ પણ ખતમ કરી શકાય તેમ હતું, તે બધું જ ખતમ કરી નાખ્યું છે. આ વખતે ઈરાન ખરેખર ગંભીર છે, તેઓ એક સોદો ઈચ્છે છે, તેઓ શાંતિ ઈચ્છે છે અને એટલે જ અમે તેમને 5 દિવસનો સમય આપ્યો છે.” જોકે, સામે પક્ષે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ટ્રમ્પને ’કપટી રાષ્ટ્રપતિ’ ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમના આવા નિવેદનોથી ઈરાન પોતાનું ધ્યાન ભટકાવશે નહીં. જયારે બીજી તરફ આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના અમેરિકન સમકક્ષ (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયો (Marco Rubio) સાથે ફોન પર વાત કરી છે.

જયશંકરે માહિતી આપતા કહ્યું કે, “અમારી ચર્ચા મુખ્યત્વે પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને તેની આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પડતી અસર પર કેન્દ્રિત હતી. અમે ખાસ કરીને ઉર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ અને ગેસ સપ્લાય) અંગેની ચિંતાઓ પર વાતચીત કરી છે અને સતત સંપર્કમાં રહેવા સંમત થયા છીએ.”

પાકિસ્તાન બનશે મધ્યસ્થી? ઈસ્લામાબાદમાં યોજાઈ શકે છે બેઠક
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ ’એક્સિઓસ’ ના અહેવાલ મુજબ તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાન આ યુદ્ધનો અંત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. આ દેશોના પ્રતિનિધિઓએ તાજેતરમાં જ વ્હાઇટ હાઉસના ખાસ રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અને ઇઝરાયલની ’ચેનલ 12’ ના અહેવાલો મુજબ, ઇઝરાયલી અધિકારીઓ માની રહ્યા છે કે આ જ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક ઐતિહાસિક બેઠક યોજાઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે આ બેઠકમાં અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ખુદ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરે તેવી શક્યતા છે.

ઇઝરાયેલ એકલું પડી જવાની સંભાવના
અમેરિકા અને ઇરાન વચ્ચેનો સંવાદ અને એના સકારાત્મક પરિણામો માટે જે પ્રયાસો વિશ્ર્વ સમુદાયે શરૂ કર્યા છે તેમાંથી અદ્યાપિ ઇઝરાયેલ બાકાત દેખાય છે. પાકિસ્તાનમાં યોજાનારી ઇરાન-યુએસના રાજદ્વારી તથા રાજકીય વાઇસ કક્ષાના નેતાઓની જે મિટિંગ પાકિસ્તાનમાં યોજાવાની ગણતરી ચાલે છે તેમાં પણ ઇઝરાયેલ એકલું પડી જવાની સંભાવના છે. આમ પણ અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની તિરાટ છેલ્લા બે-ત્રણ દિવસથી દેખાવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *