સુરેન્દ્રનગર જઝ બસ સ્ટેન્ડ નજીક એક ટ્રક ચાલકની તબિયત અચાનક લથડતાં મોટો અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિતના વાહનોને હડફેટે લીધા હતા, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. આ ઘટનામાં રસ્તા પર પાર્ક કરાયેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને મોટું નુકસાન થયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક, મધ્ય પ્રદેશના 42 વર્ષીય રમેશસિંગ રાજપૂત મેવાળા, ને સારવાર અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની તબિયત બગડવાના કારણો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
