રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યુ છે. સોખડા ચોકડી નજીક આવેલા આઇઓસી પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા જામ કલ્યાણપુર પંથકના ટ્રક ડ્રાઇવરનું બેભાન થઇ ઢળી પડતા મોત નીપજ્યુ હતું. ત્યારે બીજા બનાવમાં વાવડીમાં રહેતા નિવૃત્ત હેડકોન્સ્ટેબલનું પેરેલીસીસના એટેકથી મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ જામ કલ્યાણપુર ગામે ગરબી ચોકમાં રહેતો અને ટ્રક ચલાવતો જીવાભાઇ દેવાભાઇ ગમારા (ઉ.વ.39)નામનો યુવાન આજે પોતાનો ટ્રક લઇ રાજકોટ સોખડા ચોકડી પાસે આવેલા આઇઓસી પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા માટે આવ્યો હતો અને 11 વાગ્યાના અરસામાં પ્લાન્ટના ગેઇટ પાસે ખુરશી પર બેઠે હતો. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં 7 પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં શહેરની ભાગોળે વાવડી ગામે શક્તિનગર શેરી નં.15માં રહેતા જૂનાગઢના નિવૃત્ત હેડકોન્સ્ટેબલ નાજાભાઇ સુખાભાઇ મનાતર (ઉ.વ.75) નામના વૃધ્ધ ગઇકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ અને મૃતક વૃધ્ધ કેટલાક સમયથી બીમાર હોય અને પેરેલીસીસનો એટેક આવી જતા મૃત્યુ થયાનું જાણવા મળ્યુ છે.
