રાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદ

મુખ્ય સ્ટેજ ઉપરાંત રૂટ પર અલગ અલગ પોઇન્ટ પર આઠ નાના સ્ટેજ પર સાંસ્કૃતિક કલાકારો જોમ-જુસ્સો પ્રેરિત કરશે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ…

મુખ્ય સ્ટેજ ઉપરાંત રૂટ પર અલગ અલગ પોઇન્ટ પર આઠ નાના સ્ટેજ પર સાંસ્કૃતિક કલાકારો જોમ-જુસ્સો પ્રેરિત કરશે

15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. 13મીએ તિરંગ યાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે. સવારે 9:00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા પ્રસ્થાન થશે. બહુમાળી ભવન ચોકથી શારદાબાગ, ICICI બેન્ક, ચૌધરી હાઈસ્કૂલ અને જ્યુબેલી ગાર્ડન થઈ આગળ વધશે અને અંતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે. 1.4 કિલોમીટરના આ રૂૂટ પર મુખ્ય સ્ટેજ ઉપરાંત અલગ અલગ આઠ જગ્યાએ નાના સ્ટેજ બનાવવામા આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી સાંસ્કૃતિક કલાકારોના આઠ વૃંદ(ટીમ) મોકલવામા આવી છે. કલાકારો દેશભક્તિની અલગ અલગ કૃતિ રજુ કરીને યાત્રામાં જોડાનાર તમામ નાગરિકોમાં જોમ જુસ્સો પ્રેરિત કરશે. યાત્રાના રૂૂટ પરના એક સ્ટેજ પર શહેરની જાણીતી સંસ્થા પ્રયાસના દિવ્યાંગ બાળકો પણ મનમોહક કલાકૃતિ રજુ કરશે. હાલ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

તિરંગા યાત્રામાં રાજકોટ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, એન. એસ.એસ.ના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. જેમાં મોટી સંખ્યામાં ઝેન-જી એટલે કે યુવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાય તેવું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

તિરંગા યાત્રાના રૂૂટ પર અલગ અલગ સ્થળોએ આઠ જેટલા વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેજ પર વિવિધ કલાકારો દ્વારા લોકનૃત્ય અને લોકસંગીતની મોહક રજૂઆતો કરવામાં આવશે. યાત્રામાં જોડાયેલા લોકોનું કલાકારો દ્વારા અનોખી રીતે સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે.

રૂટ પર ગરબા, રાસલીલા, રાવણહથ્થા શરણાઈ છત્રી સહિતની વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો થશે. આ ઉપરાંત કઠપૂતળી અને રાજસ્થાની નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. ગુજરાતની લોકકલાથી લઈને રાજસ્થાની લોકસંસ્કૃતિ સુધીના વિવિધ રંગો એક જ સ્થળે જોવા મળતા હોવાથી સમગ્ર યાત્રા એક વિશાળ સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ ધારણ કરશે.

યાત્રાના રૂટ પરના આઠ સ્ટેજ પર જોવા મળશે દેશભક્તિનો આ અદભૂત નજારો
રાજકોટમાં જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ કલાકારો, છાત્રોના સહયોગથી તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવશે. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો, દેશભક્તિના ગીતો, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ અને ડાંગી નૃત્ય સહિતની વિવિધ રજૂઆતો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રયાસ સંસ્થાના દિવ્યાંગ બાળકોની કલાકૃતિ રહેશે આકર્ષણનું કેન્દ્ર
યાત્રાના રૂટ પર એક સ્ટેજ દિવ્યાંગ બાળ કલાકારો માટે રાખવામા આવ્યુ છે. શહેરની સેવાભાવી સંસ્થા પ્રયાસના દિવ્યાંગ બાળકો દેશભક્તિને અનુરૂૂપ વેશપરિધાન કરીને આ સ્ટેજ પરથી રાષ્ટ્રભક્તિના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે. દિવ્યાંગ બાળ કલાકારોના આ કલાકૃતિ યાત્રા દરમિયાન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

મેડિકલ ટીમ, આકસ્મિક સંજોગોમાં સુરક્ષા સહિતની વ્યવસ્થા
તિરંગા યાત્રા દરમિયાન કોઇને આકસ્મિક મેડીકલ ઇમરજન્સીની જરૂર પડે તો તેના માટે મનપાની આરોગ્ય શાખાની ટીમ, 108 અને નિષ્ણાંત તબીબોને કાર્યક્રમના સ્થળે હાજર રખાશે. યાત્રાનું સમાપન ન થાય ત્યા સુધી આ તમામ વ્યવસ્થા સ્ટેટ ટુ રાખવામા આવશે. આ ઉપરાંત આકસ્મિક અન્ય સંજોગો માટેની સુરક્ષા વ્યવસ્થાનું પણ પ્લાનીંગ કરવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *