શૂરવીર આત્માઓના મોક્ષાર્થે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન સાથે સવામણ જનોઇની તર્પણવિધિ યોજાઇ
પીંડદાન સમયે સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રધ્ધા અને ગૌરવની લાગણીથી ઓતપ્રોત બન્યું
ભારતની આસ્થા, ગૌરવ અને સ્વાભિમાનના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર એક વખત ફરી ઇતિહાસને સ્મરણ કરતો ભાવસભર ધાર્મિક પ્રસંગ સર્જાયો. પ્રભાસતીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર સોમપુરા તીર્થ પુરોહિતોના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ધાર્મિક આયોજન યોજાયું, જેમાં એક હજાર વર્ષ પૂર્વે સોમનાથની રક્ષા માટે પ્રાણન્યોચ્છાવ કરનાર શૂરવીર આત્માઓના મોક્ષાર્થે પિતૃ તર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી.
ઇતિહાસ અનુસાર, મહમદ ગજનવી દ્વારા સોમનાથ મહાદેવ મંદિર પર કરાયેલા આક્રમણ સમયે માત્ર ક્ષત્રિય વીરો જ નહીં પરંતુ સ્થાનિક ભૂદેવો અને સામાન્ય નાગરિકોએ પણ વિધર્મી સેન્ય સામે અદમ્ય સાહસ સાથે પ્રતિકાર કર્યો હતો. ધર્મ, સંસ્કૃતિ અને સ્વાભિમાનની રક્ષા માટે થયેલા આ ભયંકર સંઘર્ષમાં અસંખ્ય શૂરવીરોએ વીરગતિ પામી હતી. આ યુદ્ધ પછી રણ મેદાનમાંથી સવા મણ જેટલી જનોઈ એકત્રિત થયાની ઐતિહાસિક નોંધો મળે છે, જે તે સમયના અસંખ્ય બલિદાનોની મૌન સાક્ષી બની આજે પણ ઇતિહાસના પાનાંઓમાં ગુંજે છે.
હાલ સોમનાથ ખાતે ઉજવાઈ રહેલા ઐતિહાસિક સ્વાભિમાન પર્વના અવસર પર, મોક્ષની પાવન ભૂમિ તરીકે માન્ય ત્રિવેણી સંગમ ઘાટ પર આ વિશેષ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું. સવા મણ જનોઈના પ્રતીકાત્મક પિતૃ તર્પણ સાથે પિંડદાન વિધિ યોજાઈ, જેમાં શૂરવીર બલિદાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પ્રભાસતીર્થ સોમનાથના સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટનીના હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સવા મણ જનોઈની પ્રતીકાત્મક તર્પણ વિધિ અને પિંડદાન કરવામાં આવ્યું. વિધિ પૂર્ણ થયા બાદ પવિત્ર ત્રિવેણી સંગમમાં પિંડ પધરાવવામાં આવ્યા, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને ગૌરવની લાગણીથી ઓતપ્રોત બની ઉઠ્યું હતું.
આ પ્રતીકાત્મક સવા મણ જનોઈને બાદમાં રાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મહાદેવ મંદિરમાં પધરાવવામાં આવી, જે સોમનાથના પુનર્નિર્માણ અને ગૌરવશાળી ઇતિહાસની સ્મૃતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટના બની હતી. સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ વિશેષ ધાર્મિક કાર્યમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો તેમજ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકસાથે શૂરવીર બલિદાનીઓને સ્મરણ કરી સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને નમન કર્યું હતું. શૂરવીરોના બલિદાનને સ્મરણ કરી તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને સોમનાથના ગૌરવને ફરી એકવાર નવનિર્મિત ભાવ સાથે ઉજવવામાં આવ્યું.
સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે. સ્કંદપુરાણના પ્રભાસખંડ મુજબ, જંબુદ્વીપના નવ ભાગોમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અપ્રતિમ ગાથા છે. સરદાર પટેલનો ઐતિહાસિક સંકલ્પ અને પુન:નિર્માણ 13 નવેમ્બર 1947, વિક્રમ સંવતના નૂતન વર્ષના મંગલ દિવસે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના ભગ્નાવશેષો જોઈને સમુદ્રજળની અંજલિ લઈ સંકલ્પ કર્યો હતો કે, “સોમનાથના મંદિરનું પુન:નિર્માણ થવું જોઈએ.” આ સંકલ્પને સાકાર કરવામાં જામસાહેબ દિગ્વિજયસિંહજી, ક.મા. મુનશી અને કાકાસાહેબ ગાડગીલ જેવા મહાનુભાવોનો સિંહફાળો રહ્યો છે. 1951માં ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ આધુનિક મંદિર રાષ્ટ્રને સમર્પિત થયું હતું.વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત આ મંદિર ’કૈલાસ મહામેરૂૂ પ્રાસાદ’ તરીકે ઓળખાય છે.
પરિમાણ: મંદિરની ઊંચાઈ 155 ફૂટ છે, જેના પર 37 ફૂટનો ધ્વજદંડ અને 104 ફૂટની વિશાળ ધ્વજ લહેરાય છે. ચંદ્ર-શિવ સાયુજ્ય: કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને ગર્ભગૃહનું શિવલિંગ એક સીધી રેખામાં આવે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે. કળશ અને શિખર: ગર્ભગૃહના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ છે, જ્યારે સભા અને નૃત્ય મંડપના ઘુમ્મટ પર 1001 નાના કળશ કંડારાયા છે. ભૌગોલિક વિશેષતા: મંદિરના દક્ષિણ ભાગમાં આવેલ ’બાણસ્તંભ’ સૂચવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં ક્યાંય જમીનનો ટુકડો આવતો નથી.
આક્રમણો સામે અજેય આસ્થા
સોમનાથ પર 1026માં મહમદ ગઝનીથી લઈને 1701માં ઔરંગઝેબ સુધીના અનેક આક્રમણખોરોએ હુમલા કર્યા, પરંતુ દરેક વખતે હિન્દુ ધર્મપ્રેમીઓએ તેનો જીર્ણોદ્ધાર કર્યો. ભાવ બૃહસ્પતિની ’સોમનાથ પ્રશસ્તિ’ મુજબ, આ મંદિર સતયુગમાં સોમ (ચંદ્ર) દ્વારા, ત્રેતામાં રાવણ દ્વારા, દ્વાપરમાં શ્રીકૃષ્ણ દ્વારા અને કળિયુગમાં ભીમદેવ સોલંકી દ્વારા નિર્મિત થયું હોવાનું મનાય છે. સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઈ પટેલ અને વર્તમાન અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથનો કાયાકલ્પ થયો છે. યાત્રિકો માટે સુવિધાઓ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ’સોમનાથ વર્તમાન’ માસિક જેવા માધ્યમોથી ભક્તોને જોડાવાના પ્રયાસો થઈ રહ્યા છે.
લોકપરંપરાનું પર્વ: કાર્તિકી પૂર્ણિમાનો મેળો
ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ, સોરઠની જનતા સોમનાથના ભાતીગળ મેળામાં ઉમટી પડે છે. કારતક માસની તેરશથી પૂનમ સુધી ભરાતો આ મેળો સોરઠની લોકસંસ્કૃતિનું ધબકતું પ્રતીક છે.આજે સોમનાથ માત્ર એક દેવાલય નથી, પણ ભારતવર્ષના પુનરુત્થાન અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક બનીને અરબી સમુદ્રના તટે અડીખમ ઊભું છે.
સોમનાથમાં યોગ બોર્ડની મહિલાઓ દ્વારા અખંડ શિવધૂન
સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા-શોર્ય યાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઈને સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજન ના કાર્યક્રમોનો આજે પ્રારંભ થયો હતો.
જેમાં જુનાગઢ થી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ, વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત 500 બહેનોએ અખંડ શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ, લોક કંઠના શિવ ભક્તિ ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ અખંડ શિવ ધૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરી હતી. જુનાગઢ થી ખાસ બસ સોમનાથ આવી હતી. ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારમાંથી શિવ ભક્તો શિવધૂનમાં સહભાગી થવાના છે. આજે પ્રથમ દિવસે શિવ શિવ ધૂન કાર્યક્રમનું સંકલન જૂનાગઢના યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા એ કર્યું હતું.
યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ શ્રદ્ધા સાથે જણાવ્યું હતું કે સોમનાથમાં સ્વાભિમાન પર્વ આધ્યાત્મિક ભાવનું પર્વ બન્યું છે અને તેમાં સહભાગી થવાનો આનંદ છે. તેમની સાથે કોર્ડીનેટર સોનલબેન પણ જોડાયા હતા.
