રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝરમરથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ આવતો હોય શહેરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોને ભારે અસર થઇ છે ત્યારે પોલીસ હેડકવાટર નજીક પણ વર્ષો જુના ઘણા વૃક્ષો આવેલા છે. આજે સવારે વરસાદ પડતા રેસકોર્ષ પોલીસ હેડ કવાટરથી રૂડા બિલ્ડીંગ તરફ જતા રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું. જેમાં ઝાડ પડતા ત્યાંથી પસાર થતી સ્વીફટ કાર અને રિક્ષા પર આ ઝાડ પડયું હતું. જેમાં કારને ઓછુ નુકસાન થયું છે.
જયારે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. જો કે સદનશીબે આ ઘટનામાં કોઇ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવ બનતા રસ્તા પર વાહન વ્યવહાર થંભી જતા ટ્રાફિક સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રસ્તા પરના ઝાડને દુર કરવાની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વરત કરાયો હતો. આ બનાવ બનતા લોકો પણ ભયમાં મુકાઇ ગયા છે અને શહેરમાં આવા વર્ષો જુના વૃક્ષો અને બિલ્ડીંગોની ઓળખ કરી યોગ્ય કરવા માટેની માંગણી કરી હતી.
