અમદાવાદ અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજાની વધતી માગ વચ્ચે ગાંજાના સપ્લાયરો દ્વારા યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપી હેરાફેરી કરાવવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. અમદાવાદ એસઓજીના અધિકારીઓએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી એક મહિલા સહિત બે પેડલરને અંદાજે રૂૂ. 8 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે.
પોલીસના હાથે ઝડપાયેલી જીયા ઉર્ફે જેસીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તેના પિતરાઈ ભાઈ ચેતન પ્રજાપતિ સાથે ગાંજો વેચવા નીકળી હતી ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, જીયાની ઓળખ થાઈલેન્ડમાં સુરતના મિલન વઘાસિયા સાથે થઈ હતી. ત્યારબાદ તેની ઓળખાણ અમદાવાદના અમન જોશી સાથે કરાવવામાં આવી હતી. અમન જોશી અને મિલન વઘાસિયા થાઈલેન્ડથી મોટા પ્રમાણમાં હાઈબ્રીડ ગાંજો ગુજરાતમાં લાવતા હોવાનું સામે આવ્યું છે. તેમણે જીયાને ગાંજાની હેરાફેરીમાં કરવા માટે લાખો રૂૂપિયાની ઓફર કરી હતી.
જો કે જીયાએ પોતે ગાંજો લાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને જરૂૂરિયાતમંદ અને બેરોજગાર યુવાનો શોધી આપવા માટે કવાયત કરી હતી. દરેક ટ્રીપના લાખો રૂૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા. જીયાએ ચાર યુવકો શોધી આપ્યા હતા, જે થાઈલેન્ડ જઈ હાઈબ્રીડ ગાંજો લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે. એસઓજીએ ગાંજાના મુખ્ય સપ્લાયર અમન જોશી અને મિલન વઘાસિયાને પણ ઝડપી લીધા છે અને તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં વિગતો સામે આવી છે કે, જે યુવાનો પાસે કોઈ કામ ધંધો નથી તેમને ગાંજાના સપ્લાયરો થાઈલેન્ડના પ્રવાસે મોકલે છે.
તેમનો હરવા ફરવાનો ખર્ચો ઉપાડે છે અને ત્યાં તેમને મોજ શોખ માટેની સુવિધા પણ કરી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત જ્યારે યુવાનો પરત અમદાવાદ અથવા મુંબઈ આવે ત્યારે તેમણે ચોક્કસ પ્રમાણમાં ગાંજા કે બેગ આપવામાં આવતી હોય છે તે સલામત રીતે તેમણે અમદાવાદ અથવા મુંબઈના સપ્લાયરને પહોંચાડી દેવાની હોય છે. ગાંજાનો જથ્થો સપ્લાયર પાસે પહોંચી જાય ત્યારે તેમને નક્કી કરેલું કમિશન મળી જતું હોય છે. જો આ કવાયત દરમિયાન ઝડપાઈ જાય તો તેને છોડાવવાની સંપૂર્ણ જવાબદારી પણ સપ્લાયરો નિભાવતા હોય છે.
