ગુજરાત સરકારે રવિવારની રજા હોવા છતા 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી.સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના વહીવટી તંત્રમાં કરાયેલા આ નોંધપાત્ર ફેરફારો અંતર્ગત રાજકોટ પ્રાંત-1 તરીકે અત્યાર સુધી ફરજ બજાવતા અધિકારી ચાંદની પરમારની બદલી કરવામાં આવી છે. તેમને હવે જૂનાગઢ ખાતે ડેપ્યુટી કલેકટર તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, તાપી જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નોંધપાત્ર ફરજ બજાવતા ભરત ચાવડાને હવે રાજકોટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની રાજકોટ પ્રાંત-2 તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે શહેરના મહેસૂલી અને વહીવટી કાર્યોનું સુચારુ સંચાલન કરશે.
આ સાથે જ જિલ્લાના અન્ય મહત્વના તાલુકા વિસ્તારોમાં પણ નવા અધિકારીઓ મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કાર્યરત પારસ વાંદાને બદલીને હવે રાજકોટ જિલ્લાના ગોંડલના પ્રાંત અધિકારી તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે. ગોંડલ એક મહત્વનો તાલુકો હોવાથી આ નિમણૂકને વહીવટી દ્રષ્ટિકોણથી અગત્યની માનવામાં આવે છે. તેમજ, પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાની રાજકોટ રૂૂરલ (ગ્રામ્ય) પ્રાંત અધિકારી તરીકે નવી નિયુક્તિ કરવામાં આવી છે. હવે તેઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જમીન મહેસૂલ અને કાયદા વ્યવસ્થાના વહીવટ પર વિશેષ દેખરેખ રાખશે.
મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી આ જ અધિસૂચનામાં અગાઉ કરાયેલા કેટલાક બદલીના હુકમો રદ કરવા તેમજ બઢતીના આદેશોમાં આંશિક ફેરફાર કરવા અંગેના સ્પષ્ટ નિર્દેશો પણ સામેલ છે.
વહીવટી સરળતા અને કામગીરીની અનુકૂળતા ધ્યાનમાં રાખીને આ સુધારા કરાયા છે. જેમાં અમીતકુમાર જી. ગામીત નામના અધિકારીની અગાઉની અધિસૂચનામાં સમાવિષ્ટ બદલીનો હુકમ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે. આ મહત્વના નિર્ણય બાદ અમીતકુમાર જી. ગામીત હવે ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મદદનીશ નિયામક તરીકે પોતાના મૂળ સ્થાને જ સેવાઓ ચાલુ રાખશે.
IASના 7 પ્રોબેશનર્સને મદદનીશ કલેક્ટર તરીકે નવી જવાબદારી
ગુજરાત સરકારે IAS પ્રોફેશનલ કોર્સ ફેઝ-2 પૂર્ણ કરનારા 2024 બેચના 7 IAS પ્રોબેશનર્સની મદદનીશ કલેક્ટર તરીકે નિમણૂક કરી છે. સામાન્ય વહીવટ વિભાગની 16 ઓગસ્ટ, 2026ની સૂચના મુજબ રિતિકા આઈમાને વલસાડના ધરમપુરમાં પ્રાંત ઓફિસર, અંજલિ અજય ઠાકુરને આણંદમાં પ્રાંત ઓફિસર, અતુલ સિંહને રાજકોટ (સિટી-1)માં પ્રાંત ઓફિસર, અભિષેક પ્રમોદ ટાળેને કચ્છના ભચાઉમાં પ્રાંત ઓફિસર, ધરણી એમ.ને સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રાંત ઓફિસર, વૃશાલી સંત્રામ કાંબલેને જુનાગઢમાં પ્રાંત ઓફિસર અને નેહા બ્યાડવાલને અરવલ્લીના મોડાસામાં પ્રાંત ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
