દક્ષિણ મેક્સિકોમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં 98 મુસાફરો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. મેક્સિકન નૌકાદળના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં 250 મુસાફરો હતા.
આ અકસ્માત વેરાક્રુઝ અને સેલિના ક્રુઝ વચ્ચેની મુખ્ય રેલ લાઇન પર ઓક્સાકાના અસુનસિઓન ઇક્સ્ટલેટેપેકમાં થયો હતો. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાયલ મુસાફરોમાંથી 36 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને નાની ઇજાઓ થઈ છે. આ મોટો ટ્રેન અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ નથી.
દક્ષિણ મેક્સિકોમાં ટ્રેનોની સંખ્યા અને ઉપયોગ વધારવા માટે આ રેલ સેવા શરૂૂ કરવામાં આવી હતી. તેનો હેતુ પેસિફિક મહાસાગર અને મેક્સિકોના અખાત વચ્ચે આવેલા સાંકડા તેહુઆન્ટેપેક સ્ટ્રેટમાં રોડ, રેલ અને અન્ય માળખાગત સુવિધાઓ વિકસાવવાનો છે. જો કે, હવે આ ટ્રેન અકસ્માતમાં સંડોવાયેલી હોવાથી, તેની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
