રાજકોટ શહેરના કુવાડવા ગામ પાસે વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક સ્થિત ચેકડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત સર્જાઈ છે. દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યા બાદ ગણેશજીનું વિસર્જન કરવા ગયેલા કુવાડવા ગામના એક જ પરિવારના પાંચ સભ્યો ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબતા પાંચ પૈકી બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા, પુત્ર અને ભત્રીજા સહિત ત્રણ લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેઓના કરૂૂણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક બનાવને પગલે સમગ્ર કુવાડવા ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવ અંગે સ્થાનિક યુવક ધીરેન્દ્રસિંહે ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડેમમાંથી ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તબીબી તપાસ કરાવતાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં જ એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ ત્રણેય મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ધીરૂૂભાઇ ભલાભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ 50), તેમના પુત્ર નયન ધીરૂૂભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ 23) અને ભત્રીજા નરેન્દ્ર મગનભાઇ ચૌહાણ (ઉંમર વર્ષ 30, રહે. કુવાડવા) તરીકે થઈ છે. ધીરૂૂભાઇ છ ભાઇઓ અને છ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં તેઓને એક જ દીકરો નયન હતો, જે 21 વર્ષનો કુંવારો હતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો.
ગણેશ વિસર્જન વખતે ધીરૂૂભાઇ સાથે તેમની પત્ની મીનાબેન અને દીકરી સહિત સાત લોકો ગયા હતા. જ્યારે તેમના ભત્રીજા નરેન્દ્રના માતાનું નામ મધુબેન અને પિતાનું નામ મગનભાઈ છે. રાજકોટ કારખાનામાં કામ કરતો નરેન્દ્ર એકલો જ વિસર્જનમાં આવ્યો હતો. નરેન્દ્રના લગ્ન થઈ ગયા હતા અને તેમની પાછળ પત્ની કિરણાબેન તથા બે નાની દીકરીઓ વિલાપ કરતા છોડી ગયા છે. પરિવારના મોભી અને જુવાનજોધ દીકરાઓને એકસાથે ગુમાવતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
