મોરબીના મચ્છુ- 3 ડેમ પર ટ્રાફિક પોલીસની સમયસુચકતા અને માનવતાભર્યા અભિગમથી એક યુવાનનો જીવ બચી ગયો હતો. ડેમમાં પડેલા યુવાનને ટ્રાફિક પોલીસે સ્થાનિકોની મદદથી તાત્કાલિક બહાર કાઢ્યો હતો અને તેને યોગ્ય સમજ આપી તેના ઘરે રવાના કરી માનવતા મહેકાવી હતી.
મોરબીના મચ્છુ 3 ડેમમાં એક યુવાને અચાનક ઝંપલાવ્યું હતું. જોકે ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક હરકતમાં આવી કામગીરી શરુ કરી હતી. ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ જીલુભાઈ ગોગરા, ડ્રાઈવર મહેશભાઈ ગઢવી અને રોહીતભાઈએ સમય ગુમાવ્યા વગર સ્થાનિકોની મદદ લઇ યુવાનને બહાર કાઢ્યો હતો. આ ત્વરિત કામગીરીને કારણે યુવાનનો આબાદ બચાવ થયો હતો. યુવાનને બહાર કાઢ્યા બાદ ટ્રાફિક પોલીસની ટીમે યુવાનને હિંમત આપી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યોગ્ય સમજાવટ બાદ યુવાનને સુરક્ષિત રીતે તેના ઘરે મોકલવામાં આવ્યો હતો.
