જામનગરમાં 26 જાન્યુઆરીના દિવસે વાયુસેના દ્વારા ખંભાળિયા બાયપાસ નજીક સૂર્યકિરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ નિહાળવા માટે જામનગરની જનતા બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી, અને પોતાના વાહનો લઈને ખંભાળિયા ધોરી માર્ગ પર પહોંચી જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અને કલાકો ની જહેમત પછી પોલીસે ટ્રાફિકને મુક્ત કરાવ્યો હતો.વાયુ સેના દ્વારા બપોરે 1.30 વાગ્યે સૂર્ય કિરણ નિદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે કાર્યક્રમ નિહાળવા માટે જામનગરના શહેરીજનો ફોરવ્હીલર, ટુવ્હીલર ઓટો રીક્ષા સહિતના અનેક પ્રકારના વાહનોમાં જામનગર શહેર થી ખંભાળિયા બાયપાસ તરફ જવા માટે નીકળી પડ્યા હતા, અને ચારેયકોર વાહનોના થપ્પા લાગી ગયા હતા.સમર્પણ હોસ્પિટલ નજીક પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી ડિવાઈડર મુકાયું છે, અને એક તરફનો માર્ગ બંધ હોવાના કારણે બપોરના સમયે ભારે ટ્રાફિક જામ થયો હતો.
જેથી ટ્રાફિક શાખા સહિતની પોલીસ ટુકડીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવવામાં કલાકોની જહેમત લેવી પડી હતી.વાયુસેના નો કાર્યક્રમ શરૂૂ થઈ ગયા બાદ પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત રહી હતી. હવામાં ઉડી રહેલા પ્લેન વગેરે જોવા માટે તેમજ તેના ફોટો- વિડીયો બનાવવા માટે વાહન ચાલકો પોતાના વાહનો માર્ગમાં જ ઊભા રાખીને મોબાઈલ ફોનમાં ફોટો-વિડીયો લેવા લાગ્યા હતા, જેથી પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશરે ત્રણ કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. જેથી પોલીસ તંત્રએ હાથકારો અનુભવ્યો હતો. ઉપરોક્ત ટ્રાફિક જામને લઈને ખંભાળિયા તરફથી જામનગર આવતા અનેક વાહનચાલકો બે થી ત્રણ કલાક સુધી સલવાયા હતા.