રાજકોટની વર્ષો જૂની લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારના દુકાનદારો તેની રોજીરોટીના આંગણે જ પાથરણાવાળા અને ફેરિયાઓના કાયમી ધામાથી પરેશાન છે. દુકાનદારો લાખો, કરોડો રૂૂપિયાના શો-રૂૂમ ધરાવે છે અને તેની આગળ રોડ પર જ દબાણ કરીને અડીંગો જમાવનારા પાથરણાવાળાઓ અને ફેરિયાઓ ગ્રાહકો દુકાનની અંદર પણ પ્રવેશી ન શકે એ રીતે પડ્યા પાથર્યા રહે છે. આ વિસ્તારના સેંકડો દુકાનદારો વર્ષોથી આ મામલે મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા નગરસેવકો તેમજ ધારાસભ્યો સમક્ષ રજૂઆતો કરીને થાકી ગયા છે.
હવે સહનશક્તિનો અંત આવી ગયો હોય તેમ મોટી સંખ્યામાં દુકાનદારોએ આજે પાથરણાવાળાઓનો ત્રાસ દૂર કરવાની ફરિયાદ સાથે મનપા કચેરીમાં ધામા નાંખ્યા હતા. લાખો, કરોડો રૂૂપિયાની કિંમતની દુકાન મ્યુનિ.કમિશનરના હવાલે કરી દેવા દુકાનોને તાળા મારીને ચાવી દેવા આપવાનો નવતર દેખાવો કરવા કચેરીએ પહોંચ્યા હતા. જો કે કમિશનર મળી શક્યા ન હોય મેયર ડો.નેહલ શુકલને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજકોટમાં તહેવારોના દિવસોમાં ખાસ કરીને નવરાત્રિથી દીવાળી સુધી શહેરના જુના વિસ્તાર લાખાજી રોડ ખાતે વેપારીઓ પાથરણાવાળાના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠે છે. પાથરણાવાળાઓ દ્વારા દુકાનની આગળ જગ્યા ન રાખવા દેવી, પાર્કીગ ન કરવા દેવુ, અભદ્ર વર્તન-ભાષાનો ઉપયોગ, મારા મારી સહિતની ઘટનાઓ બન્યા રાખે છે. આ મુદ્દે દુકાનદારો દ્વારા અનેકવાર તંત્રવાહકોને રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો આવતો નથી.
ગત વર્ષે તો વેપારીઓએ દુકાનો બંધ રાખી ધરણા પ્રદર્શન કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાથરણાવાળાના ત્રાસથી ધરણા, અડધ દિવસ બંધ રાખવા સહિતનું આંદોલન કરવુ પડ્યુ હતુ. જો કે એમછતા પાથરણવાળાઓની સમસ્યા તો દૂર થઇ જ ન હતી. વેપારીઓએ એવો આક્રોષ ઠલવ્યો હતો કે, તહેવારો પર મુખ્ય બજારમાં ફેરિયાઓના દબાણનો પ્રશ્ર્ન હલ થતો નથી. અને પ્રશાસનની નબળી કામગીરી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કરીને દુકાનની ચાવી કમિશનરને સોંપવાની જાહેરાત કરી દીધી હતી. જો કે કમિશનર નહીં મળતાં વેપારીઓ મેયર ડો. નેહલ શુકલને મળ્યા હતા અને મૌખિક રજુઆત કરી હતી.
પાથરણવાળાઓને કોઇપણ કાળે દુકાન આડે બેસવા ન દેવાય તેવી મેયરની ખાતરી
મેયર ડો. નેહલ શુકલે વેપારીઓને એવી ધરપત આપી હતી કે, શહેરની મુખ્ય બજારોને હોકર્સઝોન ફ્રી કરવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે તેમાં ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડનો પણ સમાવેશ કરી દેવાયો છે. મુખ્ય રોડ પર દબાણ ન થાય એવી કોઇ જગ્યા પસંદ કરવામા આવશે. અને કડક નિયમો પણ બનશે. પાથરણાવાળાઓને દુકાન આડે કોઇપણ કાળે બેસવા નહીં જ દેવાય તેવી ખાતરી મેયરે વેપારી આગેવાનોને આપી હતી.
ડિસ્પ્લે સ્ટેચ્યુ, સાઇન બોર્ડ, કાઉન્ટનું દબાણ કરનાર દુકાનદારોને પણ નહીં છોડાય : મેયર
મનપા કચેરીએ રજૂઆત કરવા આવનાર વેપારીઓ પણ ઉલ્ટાના સામે ભેરવાઇ ગયા હતા. તહેવાર દરમિયાન વેપારીઓ જાહેર માર્ગ અને ફૂટપાથો દબાવીને દૂકાનના થડાં બહાર કાઢે છે એટલું જ નહીં પણ રાહદારીઓને નડતરરૂૂપ થાય એ રીતે ડિસપ્લે સ્ટેચ્યુ પણ રોડ પર ગોઠવે છે. દૂકાન પાસે પાર્કિંગ ન થાય તે માટે લોખંડની જાળીઓ ગોઠવી દે છે. આ બાબતે મેયર ડો.નેહલ શુક્લે વેપારી એસોસિએશનના આગેવાનોને એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, તમારા આવા દબાણો પણ ચલાવી નહીં લેવાય. જપ્ત કરી લેવામા આવશે.
