સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર કરોડો રૂૂપિયાના ખર્ચે નવા સીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શહેરના નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રોડના નિર્માણ દરમિયાન જ કેટલાક વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા પોતાના અંગત હિતો માટે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રોડની બંને બાજુ બનાવવામાં આવેલા સીસી રોડના પાળા (ક્યોરિંગ બેરિયર) કેટલાક વેપારીઓ દ્વારા તોડી નાખવામાં આવી રહ્યા છે. દુકાનો સુધી વાહનો સરળતાથી પહોંચી શકે વાહનો પાર્ક કરવાની સુવિધા મળી રહે તે માટે તાજા બનાવેલા પાળાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીસી રોડની ગુણવત્તા જાળવવા માટે રોડના પાળામાં સતત પાણી ભરેલું રહેવું જરૂૂરી હોય છે. આ પ્રક્રિયા દ્વારા સિમેન્ટ યોગ્ય રીતે સેટ થાય છે અને રોડ મજબૂત બને છે. જો ક્યોરિંગની પ્રક્રિયા અધૂરી રહે તો સીસી રોડમાં તિરાડો પડવાની તેમજ તેની ગુણવત્તા ઘટવાની શક્યતા વધી જાય છે. હાલમાં અનેક સ્થળોએ પાળા તોડી નાખવામાં આવતા રોડને પૂરતું પાણી મળી શકતું નથી, જેના કારણે નવા બનેલા રોડની ટકાઉપણાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો દ્વારા જવાબદાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા પણ કડક દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જાહેર હિત માટે બની રહેલા રોડની ગુણવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં લોકોને લાંબા સમય સુધી તેનો લાભ મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
