વેરાવળમાં 180 બાઈકનું ગેરકાયદેસર વેંચાણ કરનાર વેસ્ટર્ન બજાજનું ટ્રેડ લાઈસન્સ રદ

વેરાવળમાં કાર્યરત વેસ્ટર્ન બજાજ ટુ-વહીલરની ડીલરશીપ પેઢી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના પગલે ગાંધીનગર આરટીઓ કમિશ્નરે અઠવાડિયા માટે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ્દ…

વેરાવળમાં કાર્યરત વેસ્ટર્ન બજાજ ટુ-વહીલરની ડીલરશીપ પેઢી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના પગલે ગાંધીનગર આરટીઓ કમિશ્નરે અઠવાડિયા માટે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ્દ કરવાનો આદેશ આપતા ચકચાર પ્રસરી છે.

આ સમગ્ર કૌભાંડ મામલે જૂનાગઢ આરટીઓ અધિકારી અપૂર્વ પંચાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024 માં જૂનાગઢ આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ વેસ્ટર્ન બજાજની કેશોદ ખાતેની સબ ફર્મ વેસ્ટર્ન ઓટો એજન્સી પર દરોડા પાડ્યા હતા. તપાસમાં ટ્રેડ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે વેરાવળ વેસ્ટર્ન બજાજની ડીલર શીપના ટ્રેડ સર્ટિફિકેટ પર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવેલ અને 180 જેટલા બાઇકોનું ગેરકાયદે વેચાણ કર્યાની એજન્સીના સંચાલકે કબૂલાત આપી હતી. જેથી સમગ્ર પ્રકરણ ગાંધીનગર આરટીઓ કમિશનર કચેરીમાં મોકલવામાં આવ્યું હતું.

જૂનાગઢ આરટીઓની દરખાસ્ત બાદ ગાંધીનગર આરટીઓ કમિશનરે કાર્યવાહી હાથ ધરી વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે રદ્દ કર્યું છે.કેશોદમાં બજાજના વાહનોનું ગેરકાયદે વેચાણ કરવાનું નેટવર્ક ઝડપાયું હતું. જેમાં વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર દ્વારા બોગસ બિલો બનાવીને વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું.

આરટીઓ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરતા રાજ્ય સરકારનું જીએસટી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કેશોદની વેસ્ટર્ન ઓટો એજન્સીનું જીએસટી લાયસન્સ પણ રદ્દ કરવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ગીર સોમનાથ આરટીઓ દ્વારા પણ વેરાવળ વેસ્ટર્ન બજાજના ડીલરને 180 બાઇકના ગેરકાયદે વેંચાણ બાબતે આરટીઓ કમિશનર ગાંધીનગરની સૂચના અન્યવે દંડ વસુલ કરવા નોટિસ ફટકારી છે. આમ વેરાવળ વેસ્ટર્ન બજાજ ના ડીલરની ગેરરીતિ મામલે સંબંધિત વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલે વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર શીપના સંચાલકનો સંપર્ક કરતાં આ મામલે હાલ કોઈ નિવેદન કે ખુલાસો આપવાનો ઈન્કાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *