ચોમાસાની ઋતુની શરૂૂઆત થતાં જ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં જીવજંતુઓ અને ઝેરી સરીસૃપોનો ત્રાસ અતિશય વધી ગયો છે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાતા દર અને ઝાડીઓમાંથી સાપ બહાર નીકળી રહ્યા છે. જે માનવ વસાહતો તરફ આવી જતાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં જ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાપ કરડવાના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં એક ધોરણ 10ના માસૂમ વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડી જતાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં બંસીધર પાર્કમાં રહેતો અને ધો.10માં અભ્યાસ કરતો જેનીસ જિતેન્દ્રભાઈ ટાંક (ઉ.15) અને તેનો નાનો ભાઈ ધ્રુવ (ઉ.11) જે ધો.7માં અભ્યાસ કરે છે. બન્ને ભાઈ તેના દાદા દેવજીભાઈના એકટીવામાં બેસી સ્કૂલે જતાં હતાં. દરમિયાન પહેલા ધ્રુવને સ્કૂલે ઉતારી બાદમાં જેનીસને એસ.કે.ચોકમાં આવેલી દર્શન સ્કૂલે મુકવા જતાં હતાં ત્યારે એકટીવાની સીટ પાછળ ભરાઈને બેઠેલો સાપ બહાર નીકળી એકટીવામાં પાછળ બેઠેલા જેનીસને જમણા હાથે દંશ મારતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
બીજો બનાવ રાજકોટના પરસાણા નગર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. મોચી બજારમાં રહેતા ધનવંતીબેન જગદીશભાઈ ધામેચા (ઉ.60) નામના વૃધ્ધા પરસાણાનગરમાં રહેતી પોતાની દીકરી ચંદાબેનના ઘરે થોડા દિવસ માટે રોકાવા આવ્યા હતાં. ચોમાસાના ભેજવાળા વાતાવરણને કારણે સાપ ઘરમાં ઘૂસી ગયો હતો. દરમિયાન ધનવંતીબેનને સાપ કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ત્રીજી ઘટના રાજકોટ નજીક આવેલા રાજ સમઢિયાળા ગામે બની છે. રાજસમઢીયા ગામે રહેતો સંજય દુહલી રાજભર (ઉ.48) નામનો શ્રમિક ગામમાં ચાલતી દીપભાઈની સાઈડ ઉપર કામ કરતો હતો ત્યારે ચોમાસાની સીઝનના કારણે સાપ આવી ચડતાં અને અચાનક શ્રમિકને જમણા હાથમાં દંશ મારી દેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ત્રણેય બનાવોને પગલે સમગ્ર રાજકોટ પંથકમાં ચોમાસા દરમિયાન જીવજંતુઓ અને ખાસ કરીને સાપના આતંકને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
