વૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ

10 દિવસ પછી શરૂ થનાર માનસ સદ્ભાવના વૈશ્ર્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત 3000 કાર્યકર્તાઓ ખડેપગે ’12 વર્ષ પછી મોરારિબાપુ રાજકોટના આંગણે કરશે કથા:…

10 દિવસ પછી શરૂ થનાર માનસ સદ્ભાવના વૈશ્ર્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત 3000 કાર્યકર્તાઓ ખડેપગે

’12 વર્ષ પછી મોરારિબાપુ રાજકોટના આંગણે કરશે કથા: રોજ 1 લાખ લોકો કરશે કથા શ્રવણ, 50 હજાર લોકો લેશે ભોજન પ્રસાદ’

વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.


12 વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પણ આખું ગુજરાત આતુર છે. આ કથામાં ક્યાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા ચીવટતાપૂર્વક કામગીરી ચાલી રહી છે. વૈશ્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને 50,000 લોકો ભોજન પ્રસાદ લેશે. પૂ. મોરારિબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે.


મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર વૈશ્વિક રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.


કથામાં વિદેશથી પણ હજારો રામકથા પ્રેમીઓ આવશે. રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. મોરારિબાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે.
રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે.


મોરારિબાપુની કથા કહેવાની શૈલી અનોખી હોય છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. પૂ. મોરારિબાપુએ મે, 1966માં ગાંઠિલા(તા. વંથલી,જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું છે. તેમણે 946 કથા-પારાયણ કર્યાં છે.


તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારિબાપુની રામ કથા કરાઈ હતી તે કથામાં એઆઈ નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતુ મોરારિબાપુએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ.


યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. મોરારિબાપુનો પણ ખૂબ જ ભાવ છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું નવનિર્મિત કામ પૂર્ણ થાય. રાજકોટની ધર્મ પ્રેમી જનતાને રામકથાનું રસપાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.

300 કરોડના ખર્ચે નિર્માણ થનાર વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજન
જામનગર રોડ, રાજકોટનાં રામપર ખાતે નિરાધાર, નિ:સંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો 7 બિલ્ડીંગ,ન 11 માળ અને 1400 રૂૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂૂ.300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં લાભાર્થે વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વૃદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના શ્રોતાઓ માટે વિશાળ રસોડુ, પાર્કિંગ વ્યવસ્થા
રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવશે અને મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવશે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઈ શકે તે માટે 90 બાય 180 ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે. જયારે ભોજન મંડપ 90 બાય 500 ચોરસફૂટનો બનાવાયો છે. જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15,000 ટુ- વ્હીલરનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *