દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ જંગમાં કોણ જીતશે તેની ખબર મતદાન પછી પડશે, પણ અત્યારે વધારે ચર્ચા દિલ્હીની ચૂંટણીના કારણે ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ એલાયન્સ (ઇન્ડિયા)માં પડેલા ભંગાણની છે. દિલ્હી વિધાનસભાની 1 આ ચૂંટણીમાં I.N.D.I.A.ના બે મહત્ત્વના ચૂંટણામાં પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે છે અને બંને જાહેરમાં એકબીજાનાં કપડાં ઉતારવામાં કોઈ કસર નથી રાખી રહ્યાં ત્યારે I.N.D.I.A. મોરચાના બીજા મહત્ત્વના પક્ષો પણ આ જંગમાં રસ બતાવી રહ્યા છે.
બલકે કોંગ્રેસને કોરાણે મૂકીને આમ આદમી પાર્ટીની પંગતમાં બેસી રહ્યા છે. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પોતપોતાની રીતે આગળ વધવાના સંકેત પણ આપી રહ્યા છે એ જોતાં ઈંગ.ઉ.ઈં.અ. મોરચો કાગળ પર પણ નહીં રહે એવું લાગે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ અરવિંદ કેજરીવાલને ટેકો આપી ચૂક્યા છે.
હવે શરદ પવારે પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શરદ પવારે કહ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપવિરોધી બધા પક્ષોએ અરવિંદ કેજરીવાલની મદદ કરવી જોઈએ એવી મારી લાગણી છે. દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી), સમાજવાદી પાર્ટી (સપા) અને શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નો કોઈ જનાધાર નથી. શરદ પવારની એનસીપીનો પણ કોઈ જનાધાર નથી એ જોતાં આ પક્ષો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન આપે તેનાથી પરિણામો પર છે! કોઈ ફરક નહીં પડે, પણ આ પક્ષોનું અરવિંદ કેજરીવાલને સમર્થન એ વાતનો પુરાવો છે કે, I.N.D.I.A. મોરચાના સાથીઓ કોંગ્રેસના જક્કી વલણને બહુ પસંદ નથી કરી રહ્યા અને કોંગ્રેસ પોતાનો જ કક્કો ખરો કરવા મથ્યા કરે છે તેની સામે ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ સાથે જોડાણ છતાં આમ આદમી પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ના જીતી શકી, પણ દિલ્હીમાં કેજરીવાલ સળંગ બે વાર જબરદસ્ત બહુમતી સાથે જીત્યા છે એ જોતાં તેમને હલકામાં લઈ શકાય તેમ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ ટ્રેક રેકોર્ડની સરખામણી કરો તો કોઈ સામાન્ય માણસ પણ આમ આદમી પાર્ટી પર જ દાવ લગાવે. તેના બદલે કોંગ્રેસના નેતા પોતે જીતવાના જ હોય એ રીતે વર્તી રહ્યા છે ને અરવિંદ કેજરીવાલને વ્યક્તિગત રીતે નિશાન બનાવીને તેમને ગાળો દઈ રહ્યા છે. કોંગ્રેસના ટોચના નેતા અજય માકને તો કેજરીવાલ દેશવિરોધી હોવાના આક્ષેપ કરીને તેના પુરાવા આપવા માટે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી નાખી હતી.
છેલ્લી ઘડીએ આ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રખાઈ હતી, પણ તેના કારણે બંનેના સંબંધોની કડવાશ ઓગળી નથી. કોંગ્રેસના નેતા કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો ફટકારી જ રહ્યા છે અને યુથ કોંગ્રેસે તો કેજરીવાલ સામે પોલીસ ફરિયાદ સુદ્ધાં નોંધાવી છે. આ બધાં કારણોસર I.N.D.I.A. મોરચાના નેતાઓને કેજરીવાલ માટે સહાનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.
કોંગ્રેસ ક્યા જોર પર કૂદાકૂદ કરે છે એ સમજવું અઘરું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રમાણમાં સારો દેખાવ કરીને 99 બેઠકો જીતી હતી ત્યારે I.N.D.I.A. મોરચામાં કોંગ્રેસ સામેનો અસંતોષ દબાઈ ગયેલો અને નેતૃત્વનો મુદ્દે પણ શાંતિ થઈ ગઈ હતી. બધા પક્ષોએ કોંગ્રેસના નેતૃત્વને સ્વીકારવા માંડયું હતું, પણ કોંગ્રેસ એ નેતૃત્વને સાર્થક કરે એ રીતે વર્તી શકી નથી. હરિયાણા અને પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થતાં કોંગ્રેસના નેતૃત્વ સામે ફરી સવાલ ઊભા થઈ ગયા છે. મમતા બેનરજીએ તો I.N.D.I.A. મોરચાનું નેતૃત્વ પોતાને મળવું જોઈએ એવી માગ કરી હતી. લાલુ પ્રસાદ યાદવે આ વાતને ટેકો આપેલો તેના પરથી કોંગ્રેસે વાસ્તવિકતા સમજવી જોઈએ અને સાથી પક્ષોની તાકાતને માન આપવું જોઈએ.