‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં…

લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં પહોંચ્યા હતા. જ્યાં સદસ્યોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. સદનમાં PM મોદીનું ‘ભારત માતા કી જય’ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. જેનાથી સમગ્ર સંસદ પરિસર ગૂંજી ઉઠ્યું.

પીએમએ કહ્યું કે આપણા બંધારણમાં એકતાની જરૂર છે. માતૃભાષાને દબાવી દેશની પ્રજા સંસ્કારી ન બની શકે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. કાશી-તમિલ સંગમ આજે એક મોટી સંસ્થા બની ગઈ છે. સમાજને મજબૂત કરવાનો આ પ્રયાસ છે.

આજે બંધારણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, પરંતુ અહીં પણ 25 વર્ષ, 50 વર્ષનું મહત્વ છે, પરંતુ શું થયું તે યાદ કરો. આપણા દેશમાં ઈમરજન્સી લાવવામાં આવી હતી. બંધારણ છીનવાઈ ગયું. બંધારણીય વ્યવસ્થાઓ નાબૂદ કરવામાં આવી હતી. નાગરિકોના અધિકારો છીનવાઈ ગયા. કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ભૂંસાશે નહીં.

આ દરમિયાન લોકસભામાં ભારતની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચવાની સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ વિકૃત માનસિકતા અને સ્વાર્થી રાજનીતિના કારણે દેશની એકતા પર ગંભીર હુમલા કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું, “આપણી સંસ્કૃતિ અને પરંપરામાં વિવિધતાની ઉજવણી કરવાની પરંપરા છે, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકોએ હંમેશા વિવિધતામાં વિરોધાભાસ શોધવાનો પ્રયાસ કર્યો.”

વડાપ્રધાને કહ્યું, “આઝાદી પછી વિકૃત માનસિકતા કે સ્વાર્થના કારણે સૌથી મોટો હુમલો દેશની એકતા અને અખંડિતતા પર થયો હતો.” તેમણે એમ પણ કહ્યું હતું કે દેશે આ પડકારોને પાર કરીને એકજૂટ રહેવાની જરૂર છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે દેશની પ્રગતિ અને વિકાસની ચાવી તેની એકતામાં રહેલી છે. તેમણે કહ્યું કે જ્યારે દેશ એક થઈને કામ કરશે તો દરેક પડકારને તકમાં બદલી શકાય છે.

દેશની ઝડપી આર્થિક પ્રગતિ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, “આજે ભારત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.” તેમણે કહ્યું કે આ સિદ્ધિ દરેક ભારતીયની સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે. વડાપ્રધાને કહ્યું, “મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિકતા છે. જ્યારે મહિલા શક્તિ આગળ વધશે, ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે.” પીએમ મોદીએ કહ્યું, “આપણી લોકશાહી અને આપણી અર્થવ્યવસ્થા વિશ્વ માટે પ્રેરણા બની રહી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, અને વિકાસની આ યાત્રા અવિરત ચાલુ રહેશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં તેમના સંબોધન દરમિયાન નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કર્યો હતો અને તેને મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ કાયદો મહિલાઓને રાજકીય ભાગીદારીમાં વધુ તક આપવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. પીએમ મોદીએ કહ્યું, “ભારતે મહિલાઓને શરૂઆતથી જ મતદાનનો અધિકાર આપ્યો છે. આજે સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. નારી શક્તિ વંદન કાયદો આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે.”

ભારતના લોકશાહી માળખાને તેની સંસ્કૃતિનો એક ભાગ ગણાવતા પીએમ મોદીએ કહ્યું, “ભારતની લોકશાહી ખૂબ જ સમૃદ્ધ રહી છે. તે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડે ઊંડે જડેલી છે.” તેમણે કહ્યું કે ભારતની લોકશાહીએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. વડાપ્રધાને કહ્યું, “ભારતે 75 વર્ષમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. લોકશાહીએ આપણને દરેક પડકારને પાર કરીને આગળ વધવાની તાકાત આપી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠના અવસર પર લોકસભામાં પોતાના સંબોધનમાં રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કર્યા. PMએ ભારતની લોકશાહી યાત્રા અને તેની સિદ્ધિઓને અસાધારણ ગણાવી. પીએમ મોદીએ કહ્યું, “રાજર્ષિ ટંડન અને બાબા સાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓએ ભારતના લોકતાંત્રિક પાયાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું યોગદાન અમૂલ્ય છે.” 75 વર્ષની લોકતાંત્રિક યાત્રાને દેશના નાગરિકોની એક મહાન ઉપલબ્ધિ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, આ મહાન સિદ્ધિ માટે હું દેશના નાગરિકોને સલામ કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત લોકશાહીની માતા છે અને આપણું ગણતંત્ર સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે કહ્યું, “આ આપણી લોકશાહીની ઉજવણી કરવાનો અવસર છે. ભારતનો નાગરિક દરેક કસોટી પર ખરા ઉતર્યો છે અને આપણી લોકશાહીની સફળતાનો આધાર રહ્યો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *