રાજકોટ-અમદાવાદ હાઈ-વે સિકસલેન કરવાનું ગોકળ ગાયની ગતિએ ચાલતું કામ હજુ પુરૂ થયું નથી અને ખાસ કરીને રાજકોટ શહેર તથા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કુવાડવા ઓવરબ્રીજનું લાંબા સમયથી અટકેલું કામ શરૂ થતાં જ હાઈવે ઓથોરિટીએ પણ માલિયાસણ પાસે નવા ટોલનાકાનું કામ ધમધોકાર ગતિએ શરૂ કરી દીધું છે.
રાજકોટ અને ઈન્ટરનેશનલ, એરપોર્ટ વચ્ચે જ આ ટોલનાકાનો ‘ડેરો’ ઉભો કરવાનો વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આમ છતાં ઝડપભેર ટોલનાકાનું કામ ચાલુ રહ્યું છે. કુવાડવા ખાતેના ઓવરબ્રીજનું કામ પુરૂ થાય ત્યાં સુધીમાં ટોલનાકુ ઉભુ કરી ઉઘરાણા શરૂ કરી દેવાનું હાઈ-વે ઓથોરિટીનું આયોજન હોવાનું જાણવા મળે છે. માલિયાસણ પાસે ટોલનાકુ શરૂ થતાં રાજકોટથી બામણબોર વચ્ચે માત્ર 35 કિલોમીટરમાં આ બીજુ ટોલનાકુ ખુલશે જેના કારણે ટ્રાફીકની પણ સમસ્યા સર્જાવાની શકયતા છે. ટૂંકા અંતરમાં બે બે ટોલનાકાનો લોકોમાં વ્યાપક વિરોધ હોવા છતાં ધારાસભ્યો કે, સંસદ સભ્યો મૌન રહેતા લોકોમાં નારાજગી ફેલાયેલ છે.
