શહેરની ભાગોળે આવેલા સૂર્યા રામપરામાં રહેતાં યુવાને એકલવાયા જીવનથી કંટાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે મંદિર નજીક ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં સુર્યા રામપરા ગામે રહેતાં વિશાલ વિજયભાઈ કેરોણીયા (ઉ.20) પોતાના ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતો ત્યારે એકલવાયા જીવનથી કુંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં હેમરાજનગરમાં રહેતી હિતાલીબેન દીપકભાઈ ધગીચા નામની 23 વર્ષની યુવતીએ પોતાના ઘરે હતી ત્યારે માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ પર આવેલા જકાતનાકા પાસે તિરૂપતિ પાર્કમાં રહેતાં પરબત ભુરાભાઈ માલી (ઉ.50) એ પણ માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ ગટગટાવ્યું હતું. યુવતી અને આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
