ટ્રાફિક નિયમન માટે 600થી વધુ ટ્રાફિક પોલીસ તૈનાત, 800 બસ ફાળવાઇ, અનેક રસ્તા વન-વે જાહેર કરાયા
પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે. અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો યોજાવાનો છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.
અમદાવાદ શહેરમાં 26 તારીખે સાંજે 4 વાગેથી શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ બંધ રહેશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો ને લઈને પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન ટ્રાફિક નિયમન માટે 2 ડીસીપી 3 એસીપી અને 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.
રોડ શો દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે ચોક્કસ રસ્તાઓ બંધ કર્યા છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લેવાની પોલીસે અપીલ કરી છે. એરપોર્ટ જનારા મુસાફરોએ 2 કલાક વહેલા આવી જવાની અપીલ કરવામાં આવી છે. ફ્લાઇટથી જતા મુસાફરો ટિકિટ બતાવશે તો તેમને જવા દેવામાં આવશે .ઈમરજન્સી માટે પોલીસના એક્સ્ટ્રા વાહનો રાખવામાં આવશે.
10 જેટલા સ્થળો પર ટ્રાફિક પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. 800 જેટલી બસ રોડ શોમાં આવતા લોકોની અવર જવર માટે ઉપયોગમાં લેવાશે. એરપોર્ટ રોડ પર વ્હિકલો અને એસટી બસોને ડાયવર્ટ કરવા સૂચના અપાઈ છે.
અમદાવાદ- ગાંધીનગર અપ-ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ માટે સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.
જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે છે તેઓ પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરવા તેમજ ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે તેમ જણાવાયું છે.
ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર 16:00 (સાંજે 4 કલાક) કલાક પછી માત્ર રોડશો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને ઙશિતશિંક્ષય હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે.
રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ (બપોરે 1 કલાક) 13:00 કલાક પછી નો-પાર્કિંગ ઝોન રહેશે.
હાંસોલ, કોટરપુર, નોબેલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને આ સમયગાળા દરમિયાન બિનજરૂૂરી રીતે વાહનો લઈને ઘરેથીના નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે.
કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1095 પર સંપર્ક કરવા અને તમામ અપડેટ માટે શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પેજ સાથે જોડાયેલા રહેવા જણાવાયું છે.
