ગુજરાતમાં વાઘને ડિસેમ્બર સુધી વાઘણ નહીં મળે!

એક વર્ષથી વધુ સમય પહેલાં એક એકલો નર વાઘ ગુજરાતમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી વાઘની પ્રજનનક્ષમ વસ્તી સ્થાપિત કરવાની આશા હજુ પણ અટકી છે. રાજ્ય…

એક વર્ષથી વધુ સમય પહેલાં એક એકલો નર વાઘ ગુજરાતમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી વાઘની પ્રજનનક્ષમ વસ્તી સ્થાપિત કરવાની આશા હજુ પણ અટકી છે. રાજ્ય સરકારે વાઘણીને સ્થળાંતરિત કરવાની દરખાસ્ત નેશનલ ટાઇગર ક્ધઝર્વેશન ઓથોરિટી (NTCA) પાસે મોકલી છે, પરંતુ મંજૂરીની રાહ જોવી પડી રહી છે. વરિષ્ઠ વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, NTCA હાલમાં દેશવ્યાપી વાઘ વસ્તીગણતરીનું કાર્ય ચલાવી રહી છે. આ વસ્તીગણતરી ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની ધારણા છે, ત્યારબાદ જ ગુજરાતની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.

ચાર વર્ષનો આ નર વાઘ પ્રથમ વખત ગયા વર્ષની શરૂૂઆતમાં દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં નોંધાયો હતો. ત્યારથી તે પૂર્વ ગુજરાતમાં ઘૂમતો રહ્યો છે. તેની છેલ્લી હિલચાલ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં નોંધાઈ છે.

વન અધિકારીઓના મતે આ વાઘ પડોશી મધ્યપ્રદેશમાંથી કુદરતી રીતે વિખેરાઈને લગભગ 60 કિમીનો પ્રવાસ કરીને ગુજરાતમાં પ્રવેશ્યો છે. અધિકારીઓ કહે છે કે વ્યવહારુ પ્રજનન વસ્તી સ્થાપિત કરવા માટે વાઘણી આવશ્યક છે. જોડી વગર આ એકલા નર વાઘની રાજ્યમાં લાંબા ગાળાની હાજરી અનિશ્ચિત રહેશે.
ગુજરાતમાં એક સમયે વાઘ હતા, પરંતુ ધીમે ધીમે તેમનો અંત આવ્યો. 1989માં વાઘના પગના નિશાન નોંધાયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ પુષ્ટિ થયેલી દૃષ્ટિ નહોતી. 1992 સુધીમાં રાજ્યે ટાઇગર સ્ટેટનો દરજ્જો ગુમાવ્યો હતો. 2019માં મહીસાગર જિલ્લામાં એક વાઘ ટૂંકા સમય માટે દેખાયો હતો, પરંતુ તે લાંબો સમય ન રોકાયો. જો પ્રજનન સફળતાપૂર્વક સ્થાપિત થાય તો ગુજરાત ત્રણ દાયકા પછી ફરી ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *