કંડલામાં દીનદયાળ પોર્ટની જેટી નંબર 13 ઉપર લાંગરેલા વિદેશી જહાજમાં લાકડાં આવ્યાં હતાં. એમ.વી. પાન ઓપ્ટીનમ નામના આ જહાજના કાર્ગો હોલ્ડ નંબર ત્રણના પ્રવેશદ્વારથી નીચે ઊતરેલા રાજકુમાર રામકિશોર કુમાર (ઉ.વ. 36), મુશાકઅલી સુલ્તાનઅલી (ઉ.વ. 34) તથા રાજેશ રામચંદ્ર (ઉ.વ. 34)નું ગેસના ગૂંગળામણથી મોત થયું હોવાનું સપાટી પર આવ્યું છે. એકી સાથે ત્રણ શ્રમિકોનાં મોતને પગલે કચ્છમાં ફરીથી શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો.
દીનદયાળ પોર્ટ કંડલાની જેટી નંબર-13 ઉપર લાંગરેલાં વિદેશી જહાજમાં ગૂગળામણના કારણે ત્રણ શ્રમિકોનાં મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. આ શ્રમિકો ગેસનો શિકાર બન્યા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે 11-45થી 12ના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો. જેટી નંબર 13 ઉપર આજે વિદેશી જહાજ લાકડાં ભરીને આવ્યું હતું. જેના ઉપર કામ ચાલી રહ્યું હતું. ત્યારે એક શ્રમિક કાર્ગો હોલ્ડ-3ની સીડી વાટે નીચે ઊતર્યો હતો. તે બહાર ન આવતાં કે કોઇ પ્ર્રતીક્રિયા આપી નહોતી અને તે બેભાન થઇ ગયો હતો. બીજો મજૂર અંદર જતાં તે પણ ગેસની ઝપટમાં આવી ગયો હતો અને ત્રીજો શ્રમિક અંદર જતાં ત્યાં પૂર્વ એકત્રિત ઝેરી ગેસનાં કારણે તેણે પણ જીવ ખોતાં આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને ત્રણેય યુવાનોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો.
આ ત્રણેયના મોતનાં પગલે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું પી.એમ. કરાયું હતું અને પોલીસે બનાવ સ્થળે એફ.એસ.એલ. પણ બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષાના અભાવના કારણે આ બનાવ બન્યો હોવાનું મનાય છે. જહાજના ફાલ્કા લાંબા સમય સુધી ખોલવામાં આવ્યા નહોતા. સામાન્ય રીતે લાકડાં જેવા કાર્ગોમાં રાસાયણિક પ્રક્રિયાને કારણે કાર્બન મોનોકસાઇડ કે અન્ય ઝેરી ગેસ પેદા થતા હોય છે. ફાલ્કા પૂરતા ન ખોલાયા હોવાથી આ ગેસ અંદર જ ભરાઇ રહ્યો હતો, જે શ્રમિકો માટે કાળ સાબિત થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણેય જહાજની સાંકડી સીડી વાટે દવાનો છંટકાવ કરવા ગયા હતા કે કેમ ? તે પ્રશ્ન હોવાનું તથા ફાલ્કા ખુલ્લા હતા કે નહીં તે તપાસનો વિષય હોવાનું તપાસકર્તા પી.એસ.આઇ. વાય. પી. ગોહિલે જણાવ્યું હતું.
