અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, લોસ એન્જલસ ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ચેટ્સવર્થ વિસ્તારમાં બે વ્યાવસાયિક ઇમારતોની વચ્ચે ક્રેશ થયું હતું. એક વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને હાલમાં તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
હેલિકોપ્ટર કોણ ઉડાવી રહ્યું હતું તે તરત જ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે તે એક ન્યૂઝ હેલિકોપ્ટર હતું જે જીવલેણ બસ અકસ્માતના સ્થળ નજીક ઉડી રહ્યું હતું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બસ અકસ્માતનું કવરેજ કરી રહેલું મીડિયા હેલિકોપ્ટર પોતે જ ક્રેશ થઈ ગયું.
ઘટનાસ્થળના ફૂટેજમાં બે શિપિંગ ક્ધટેનર અને અનેક વાહનોમાં આગ લાગેલી જોવા મળી હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે. ક્રેશમાં માર્યા ગયેલા લોકોમાંથી કોઈ હેલિકોપ્ટરમાં સવાર હતું કે કેમ તે તરત સ્પષ્ટ થયું ન હતું.
લોસ એન્જલસ ફાયર વિભાગના પ્રવક્તા કેપ્ટન બ્રાન્ડન સિલ્વરમેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મૃતકોમાંના ઓછામાં ઓછા એક વ્યક્તિ બહાર પાર્કિંગ વિસ્તારમાં હતા. તેમણે કહ્યું, “અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા.”
