મહેસાણા અને ગાંધીનગરના ત્રણ વ્યક્તિઓને ઇથોપિયામાં એજન્ટો દ્વારા કેદ કરી ખંડણી માગવામાં આવી હોવાના મામલે મોટી રાહત મળી છે. ત્રણેય વ્યક્તિઓને હેમખેમ મુક્ત કરાવવામાં આવ્યા છે અને આજે વહેલી સવારે આશરે 3 વાગ્યે તેઓ મુંબઈ પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ અમેરિકા જવા નીકળેલા ત્રણેય વ્યક્તિઓ ઇથોપિયા પહોંચ્યા બાદ મુશ્કેલીમાં ફસાયા હતા. એજન્ટોએ તેમને કેદ કરી પરિવારજનો પાસેથી અંદાજે એક કરોડ રૂૂપિયાની ખંડણી માગી હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ અને સંબંધિત તંત્રનો સંપર્ક કર્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા પોલીસ અને વિદેશ મંત્રાલય વચ્ચે સંકલન સાધવામાં આવ્યું હતું. પોલીસ અને સરકારના સઘન પ્રયાસો બાદ અપહરણકારો સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કોઈ ખંડણી ચૂકવ્યા વિના ત્રણેય વ્યક્તિઓને મુક્ત કરાવવામાં આવ્યા છે. મુક્તિ બાદ ત્રણેય વ્યક્તિઓ મુંબઈ પહોંચ્યા છે.
પરિવારજનો તેમને લેવા વડસ્મા તરફથી મુંબઈ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય વ્યક્તિઓ હેમખેમ પરત ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર મામલે લાંઘણજ પોલીસે તપાસ શરૂૂ કરી છે. અમેરિકા મોકલવાના નામે કામ કરનારા એજન્ટો સહિત વડોદરા અને સ્થાનિક સ્તરે સંકળાયેલા એજન્ટોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વિદેશ મોકલવાની પ્રક્રિયા, એજન્ટો સાથે થયેલી વાતચીત અને ત્રણેય વ્યક્તિઓ ઇથોપિયા કેવી રીતે પહોંચ્યા સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
