સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને માહિતી મળી હતી કે કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે બિલ વગરની અને ડુપ્લિકેટ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.
આ માહિતીના આધારે દરોડો પાડીને જાદવભાઈ ચતુરભાઈ બારૈયા (ઉં. 53, રહે. રતનપર, મૂળ નવાણિયા), જયપાલભાઈ મનહરભાઈ કણઝરિયા (ઉં. 24, રહે. રતનપર), અને ગોરધનભાઈ ધનાભાઈ નદિયાણિયા (ઉં. 53, રહે. લક્ષ્મીપરા, સુરેન્દ્રનગર)ને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા મુદ્દામાલમાં બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા સિગારેટ, તમાકુ, જર્દો, પાન-મસાલા, બીડી વગેરેનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹41,855 છે.
આ તમામ મુદ્દામાલ કબજે કરીને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.એસ. કલમ 35(1) (C) અને 106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આ કાર્યવાહીમાં પીઆઇ બી.એચ. શીંગરખીયા, પીએસઆઇ એન.એ. રાયમા, પીએસઆઇ આર.જે. ગોહિલ, એચસી અશ્વિનભાઈ ઠારણભાઈ, એચસી અરવિંદસિંહ દિલુભા, એચસી અમરભા કનુભા, પીસી કુલદિપસિંહ સામતસિંહ ગોહિલ, પીસી સાહીલભાઈ મહંમદભાઈ સેલત, અને ડ્રા.પીસી નિતીનભાઈ હરેશભાઈ સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
