એ.જી.ચોકમાં હા.બોર્ડના 700 ક્વાર્ટરના વીજજોડાણ કાપવા ‘ધમકી’

મોટાભાગના ફ્લેટ ભયગ્રસ્ત જાહેર, તમામને રિનોવેશન કરી સ્ટેબિલિટી સર્ટિ. આપવા આખરી અલ્ટિમેટમ રૂૂપે નોટિસ, કોર્પોરેશનને ચોમાસા સમયે જ યાદ આવે છે ભયગ્રસ્ત બાંધકામો, રહેવાસીઓને બેઘર…

મોટાભાગના ફ્લેટ ભયગ્રસ્ત જાહેર, તમામને રિનોવેશન કરી સ્ટેબિલિટી સર્ટિ. આપવા આખરી અલ્ટિમેટમ રૂૂપે નોટિસ, કોર્પોરેશનને ચોમાસા સમયે જ યાદ આવે છે ભયગ્રસ્ત બાંધકામો, રહેવાસીઓને બેઘર કરવાની મનપાની નીતિ સામે આક્રોશ

રાજકોટ મહાનગરપાલિકાની ઓચંતી જાગેલી કુંભકર્ણી નિદ્રા અને પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર નોટિસો ફાટવાની નીતિને કારણે વોર્ડ નંબર 10ના સેંકડો પરિવારો પર અત્યારે ચોમાસાના ટાણે જ બેઘર થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 792 જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં પડ્યા છે. પરંતુ તંત્રએ વર્ષો સુધી આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવાની તસદી લીધી નથી.

હવે જ્યારે ચોમાસાની ઋતુ માથા પર આવીને ઊભી છે, ત્યારે અચાનક જાગી ગયેલા કોર્પોરેશનના અધિકારીઓએ રહીશોને સીધી પાણી અને વીજળીના જોડાણો કાપી નાખવાની નોટિસ ફટકારી છે.
ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 792 જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી જર્જરિત છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્રએ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપીને આ આખી ઇમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ રિપોર્ટ આટલો જ ગંભીર હતો, તો તંત્ર આખું વર્ષ કેમ ઊંઘતું રહ્યું?

ચોમાસાની વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આશરાની સૌથી વધુ જરૂૂર હોય છે, ત્યારે જ તેમને પાણી અને વીજળી વિના ટળવળતા કરીને ઘરમાંથી કાઢી મૂકવાની આ કામગીરી કેટલી યોગ્ય છે. સ્થળ પર માત્ર ભયજનક મિલકતના બોર્ડ મારી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂરી થઈ જતી નથી. સ્થાનિકોમાં પણ સરમુખત્યારશાહી જેવા તંત્રના આ વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં આવી રીતે કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માનવાનું કામ કરે છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી રહેતા અનેક ગરીબ પરિવારોએ તંત્રના ભરોસે બેઠા વિના જ પોતાના પૂરતા ખર્ચે મકાનોનું યોગ્ય રિપેરિંગ પણ કરાવી લીધું છે. આમ છતાં, મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને સ્થળ પર વાસ્તવિકતાની કોઈ ચકાસણી કરવા પણ તૈયાર નથી. અને આ વર્ષે પણ તમામ મકાનોને નોટિસ આપી પાણી તેમજ વીજળીનાં જોડાણો કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. જોકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી.

4000 લોકો ઉપર જોખમ, વૈકલ્પિક જગ્યા આપવા માગણી
આ વસાહતમાં 792 ઘરો આવેલા છે, જેમાં અંદાજે 4,000 જેટલા લોકો વસવાટ કરે છે. આટલી મોટી સંખ્યામાં રહેતા લોકો, જેમાં નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ પણ સામેલ છે, તેઓ આ ચોમાસાની સિઝનમાં ક્યાં જાય? ત્યારે અમને પીપીપી યોજના હેઠળ નવા મકાન બનાવી આપવામાં આવે અથવા તો જ્યાં સુધી નવા મકાન ન બને ત્યાં સુધી વૈકલ્પિક રહેવા માટે ભાડાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે.

 

વાંક હા.બોર્ડનો પણ એટલો જ, ત્રણ વર્ષ પહેલા મેયરે કડક સૂચના આપવા છતાં રિપેરિંગ ન કરાવ્યુ
શહીદ ભગતસિંહજી ગાર્ડન પાસેના ક્વાર્ટરની આવી હાલત થવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડનો પણ એટલો જ વાંક છે. ત્રણ વર્ષ પહેલા ખુદ મેયરે ગુહ નિર્માણ બોર્ડના એ વખતના જવાબદાર અધિકારીને રૂૂબરૂૂ બોલાવીને નાક વાંઢ્યુ હતુ કે, 700થી વધુ ક્વાર્ટરની આ વસાહત ભયજનક છે. રહેવાસીઓને વિશ્વાસમાં લઇને તાકીદે રિનોવેશન કરવુ જરૂૂરી છે. આમછતા ગૃહ હાઉસીંગ બોર્ડે કોઇ તસ્દી ન લીધી અને આજે 700થી વધુ ફ્લેટમાં રહેતા 4000 પરિવારોની હાલત કફોડી બની ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *