આયાત-નિકાસની પ્રક્રિયા ધીમી પડી, એકાદ લાખ શ્રમિકોની રોજગારી પર લટકતી તલવાર
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ગુજરાતના બંદરો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. કચ્છના કંડલા અને મુન્દ્રા જેવા મહત્ત્વના બંદરો પર હજારો ક્ધટેનરો અટવાઈ જતા આયાત-નિકાસની પ્રક્રિયા ધીમી પડી છે. આ સ્થિતિને કારણે બંદરો પર કાર્યરત હજારો શ્રમિકોની રોજીરોટી પર પણ અસર થઈ રહી છે.
યુદ્ધના કારણે સમુદ્રી માર્ગોમાં જોખમ વધતા શિપિંગ કંપનીઓએ વહાણોની અવરજવર પર નિયંત્રણ મૂક્યા છે. તેના પરિણામે કંડલા અને મુન્દ્રા બંદર પર બે હજારથી વધુ ક્ધટેનરો અટવાઈ ગયા છે. ક્ધટેનરોમાં ચોખા, એલપીજી, સલ્ફર, જીપ્સમ જેવા બલ્ક કાર્ગો અને અન્ય નિકાસ માટેનો માલ સામેલ છે.
શિપિંગ કંપનીઓ દ્વારા મરીન ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં વધારો કરવામાં આવતા પણ નિકાસ પ્રક્રિયા મોંઘી બની છે. જહાજોની રવાના પ્રક્રિયામાં વિલંબ અને ટર્મિનલ ઓપરેશનમાં અનિશ્ચિતતા ઉભી થતા લોજિસ્ટિક સેવાઓ પણ ખોરવાઈ રહી છે.
ભારતમાંથી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં અનાજ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ સામાન તેમજ તાજા ફળો અને શાકભાજી મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. ખાસ કરીને જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન યુરોપમાં ઉત્પાદન ઓછું હોવાને કારણે ભારતમાંથી નિકાસ વધે છે. હાલની પરિસ્થિતિને કારણે આ વેપાર પર પણ ગંભીર અસર થઈ રહી છે.
ગુજરાતમાં કુલ 49 બંદરો છે. જેમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ, દહેજ અને હજીરા જેવા મુખ્ય બંદરો પરથી મોટા પ્રમાણમાં આયાત-નિકાસ થાય છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે આ બંદરો પર કામગીરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બંદરો પર મોટા પ્રમાણમાં પરપ્રાંતિય શ્રમિકો કાર્યરત હોય છે. તાજેતરમાં હોળી અને ઘૂળેટીના તહેવારો દરમિયાન ઘણા શ્રમિકો પોતાના વતન ગયા હતા. પરંતુ હાલની અનિશ્ચિત પરિસ્થિતિને કારણે ઘણા શ્રમિકો પરત આવ્યા નથી. આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો અંદાજે એક લાખ જેટલા શ્રમિકો રોજગારના અભાવે પોતાના વતન પરત ફરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આયાત-નિકાસમાં 40 ટકાનો ઘટાડો
પ્રાથમિક અંદાજ મુજબ બંદરો પર આયાત-નિકાસની પ્રવૃત્તિમાં લગભગ 40 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. તેના કારણે બંદરો પર કામ કરતા શ્રમિકો ઉપરાંત ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને કોન્ટ્રાક્ટરોના વ્યવસાય પર પણ અસર પડી છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બંદરોના આર્થિક માળખા અને હજારો લોકોની રોજીરોટી પર તેની ગંભીર અસર થઈ શકે છે.
