દેશ અને દુનિયામાં ભાજપના બંગવિજયના પડઘાઓ હજુ શમ્યા નથી, જલદી શાંત થવાના નથી, કારણ કે બહુ લાંબાગાળાના બલિદાનો અને અદ્વિતીય સહનશીલતાથી ભાજપે અતિશય ધૈર્ય રાખીને એક સ્વકેન્દ્રી, રાષ્ટ્રદ્રોહી અને આમજન વિરોધી રાજનેતા મમતાને તેના આસનેથી વિચલિત કરી છે ને હજુ પણ જેમ મદારીના હાથમાં પકડાયા પછી પણ સાપના વ્યર્થ ફુંફાડા ચાલુ હોય છે તે રીતે હું રાજીનામુ નહીં આપું- સહીતના વિધાનોથી મમતા વ્યર્થ ફુંફાડા મારે છે, જે તો થોડાક જ સમયમાં સાપ, દોરડું બની ગયા પછી જેમ શાંત થાય એમ શાંત થઇ જશે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ઉખાડી ફેંકી ભાજપે સત્તા કબજે કરી તેનો ઓચ્છવ ચાલુ છે. ભાજપ ઓચ્છવ મનાવે તેમાં કશું ખોટું નથી કેમ કે બંગાળમાં ભાજપ મમતાને હરાવીને સત્તા કબજે કરે એ અશક્ય જ મનાતું હતું પણ ભાજપે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ભાજપે આ સિદ્ધિ કઈ રીતે મેળવી તેની ચોવટ પૂરજોશમાં ચાલી રહી છે ને મીડિયામાં બેઠેલા પત્રકારો તથા કહેવાતી વિશ્ર્લેષકો પોતપોતાની મતિ પ્રમાણે અલગ અલગ કારણો રજૂ કરી રહ્યા છે. કોઈ અમિત શાહની સ્ટ્રેટેજીને જશ આપી રહ્યું છે તો કોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જબરદસ્ત મહેનત કરી તેમાં ભાજપ જીત્યો એવા દાવા કરી રહ્યું છે.
ઈવીએમમાં ગરબડ અને સરકારી તંત્રના દુરુપયોગના જોરે ભાજપ જીત્યો છે એવી વાતો કરનારા પણ પડ્યા છે ત્યારે મોદી સમર્થકોનો એક વર્ગ જુદું જ વાજું વગાડી રહ્યો છે. તેમનું કહેવું છે કે, આપણા વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારમુરીને જોરે તૃણમૂલ કોંગ્રેસને હરાવી દીધી. અમિત શાહની મહેનત કે સ્ટ્રેટેજી નહીં કે સંઘની મહેનત પણ નહીં પણ ઝારમુરી ભાજપની જીતનું કારણ છે. મોદીએ બંગાળમાં 10 રૂૂપિયાની ઝારમુરી ખરીદીને માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો તેમાં મમતાની 15 વર્ષથી જામેલી પાર્ટી ધૂળચાટતી થઈ ગઈ છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર વખતે મોદીએ બજારમાંથી એક સામાન્ય દુકાનદાર પાસેથી 10 રૂૂપિયાની ઝારમુરી (સેવ મમરાની ભેળ) ખરીદી તેની બંગાળીઓના માનસ પર જોરદાર અસર થઈ ને ભાજપને જીતાડી દીધો એવો તેમનો દાવો છે.
આ દાવો હાસ્યાસ્પદ તો છે જ પણ ભાજપના કાર્યકરોના અપમાન સમાન છે. આપણે ત્યાં જીતનો જશ હંમેશાં નેતા લઈ જાય છે ને કાર્યકરો અનસંગ હીરો રહી જાય છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે કેમ કે બંગાળમાં ભાજપ 10 રૂૂપિયાની ઝાલમુરીના કારણે નહીં પણ 10 વર્ષની મહેનત પછી જીત્યો છે. આ 10 વર્ષમાં ભાજપના સેંકડો કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે અને મમતા બેનરજી સરકારના અત્યાચારો સહન કર્યા છે. માલમતાના નુકસાનની તો કોઈ ગણતરી જ નથી. મમતા બેનરજી પોતે ડાબેરીઓની ગુંડાગીરી સામે ગુંડાગીરી કરીને સત્તા પર આવ્યાં હતાં તેથી પોતાની સામેના વિરોધને દબાવી દેવા માટે ગુંડાગીરી કરતાં જ તેમને આવડતું હતું.
ભાજપે મોરચો માંડયો પછી મમતાએ ભાજપને દબાવવા માટે પોતાના ગુંડાઓને છૂટા મૂકી દીધેલા. ભાજપના મોટા નેતા તો દિલ્હીમાં એસી કેબિનમાં બેઠા હોય તેથી આ ગુંડાગીરીનો ભોગ ભાજપના કાર્યકરો જ બન્યા પણ આ કાર્યકરોએ મમતાની ગુંડાગીરી સામે ઘૂંટણ ટેકવવાના બદલે લડવાનું પસંદ કર્યું તેની આ જીત છે. ભાજપના કાર્યકરોએ આપેલી લડત, બલિદાનો અને ખુવારીને 10 રૂૂપિયાની ઝાલમુરી સામે ભૂલાવી દેવા એ નગુણાપણુ કહેવાય.
આ લડાઈમાં અમિત શાહે ભાજપ કાર્યકરોની આગેવાની લીધેલી એ પણ સ્વીકારવું પડે. અમિત શાહે 2016ની ચૂંટણીથી શરૂૂ કરીને સતત ત્રણ ચૂંટણી સુધી મમતા સામે જંગ ખેલ્યો છે. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. ભાજપને મમતાને હરાવવામાં મદદરૂૂપ થઈ શકે એવા શુભેન્દુ અધિકારી સહિતના નેતાઓને તોડીને ભાજપમાં લઈ આવવાની સ્ટ્રેટેજી પણ બનાવી. છેલ્લી ચૂંટણીમાં આ સ્ટ્રેટેજી નહોતી ફળી પણ આ નેતાઓ સાથે આવેલા કાર્યકરોને શાહે સાચવી રાખ્યા ને ભાજપની તાકાત વધારતા ગયા તેમાં ભાજપ જીત્યો છે.
