ગુજરાતી ભાષામાં પતંગિયા વિશેના આ પ્રથમ પુસ્તકના લેખિકા છે ધરમપુર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવે
પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે તેઓના હાથે બટરફ્લાય રિલીઝ કરાવ્યા ત્યારે થયું કે વડાપ્રધાન હોય કે બાળક દરેક વ્યક્તિ બટરફ્લાય સાથે કનેક્ટ થઈ શકે છે:રુચિ દવે
“પ્લેન ટાઈગર જોવા માટે આપણે કોઈ વિશેષ સ્થળે જવાની જરૂૂર નથી પડતી. તે સુકા રણમાં પણ દેખાય છે અને જંગલમાં પણ દેખાય છે. શહેરોનો ટ્રાફિક તેને અનુકૂળ છે અને ગામડાનું પાદર પણ તેને અનુકૂળ છે. તેનો રંગ કેસરી છે અને તેના પર રહેલા સફેદ રંગના ટપકાં દૂરથી પણ જોઈ શકાય છે. તે ભેજવાળી જગ્યા હોય ત્યાં મોટી સંખ્યામાં ભેગા થાય છે જ્યારે સ્થળાંતર કે આરામ કરતા હોય ત્યારે અન્યના સમૂહમાં જોડાઈ જાય છે રાતવાસો કરવા માટે તે ઝાડી-ઝાંખરાની ડાળ કે વેલાનો સહારો લે છે. પ્લેન ટાઈગર આખું વર્ષ વધતી ઓછી સંખ્યામાં દેખાયા કરે છે.” આ વાત કોની હોઇ શકે? શું તમે માની શકશો કે આ વર્ણન નાજુક અને રૂૂપકડા પતંગિયાનું છે? આવી પતંગિયાની વિસ્મયકારક દુનિયામાં લઈ જઈ તેના વિશેની અનેક ઝીણવટભરી માહિતી દર્શાવતા પુસ્તકનું તાજેતરમાં વિમોચન થયું. ગુજરાતના પતંગિયા વિશે જાણી અજાણી માહિતી દર્શાવતા નસ્ત્રઆપણાં પતંગિયાસ્ત્રસ્ત્ર પુસ્તકના લેખિકા છે ધરમપુર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવે.
ભાવનગર તળાજા ખાતે શિક્ષિકા તરીકેના કાર્યકાળ દરમિયાન બાળકોને પતંગિયામાં રસ લેતા કર્યા ત્યારે સમજાયું કે બાળકોથી લઈને દરેક ઉંમરની વ્યક્તિને પતંગિયા ગમે છે. તેના ઉછેર સાથે લોકો તેને ઉપયોગી વનસ્પતિનો બચાવ કરે છે અને જમીનને કીટનાશકો અને નીંદણનાશકો થી બચાવે છે આમ પાક અને જમીન સુધારણા સાથે પર્યાવરણની સુરક્ષા સહજ બને છે અને એટલે જ પતંગિયાની વિસ્મયભરી દુનિયાથી લોકોને વાકેફ કરવાના વિચારમાંથી અદ્ભુત અને પતંગિયાની માહિતીના ભંડાર સમુ પુસ્તકનું નિર્માણ થયું.
રુચિ દવે ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે, ભાવનગર યુનિવર્સિટીમાંથી એનાલીટિકલ કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકની પદવી મેળવી છે,મુંબઈ સ્થિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાંથી ક્ધઝર્વેશન ઓફ જીપ્સ સ્પીશીસ ઓફ વલ્ચર ઇન સૌરાષ્ટ્ર રિજન પર પીએચ.ડી. કર્યું છે. કોલેજમાં હતા ત્યારથી બર્ડ વોચિંગ અને નેચર એજ્યુકેશન કેમ્પમાં જતા હતા. 2008થી લઈને 2016 સુધી ઓનરરી વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે સેવા આપી.જે જગ્યાએ શોખથી, સ્વેચ્છા એ મનગમતું કામ કરતા હતા એ જ જગ્યાએ 2016માં જીપીએસસીની એક્ઝામ પાસ કરી અધિકારી તરીકે નિમણૂક પામ્યા.તેઓનું પ્રથમ પોસ્ટિંગ માંગરોળ ત્યારબાદ ગીર, દલખાણિયા, કેવડિયા,વ્યારા, ઉનાઈ, અને 2021-22 માં રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્યવનમ્ના નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા તેમની વિશેષ નિમણૂક કરવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો ત્યારે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલનો ઉપયોગ કરાવ્યો,પદમ ડુંગરી વિસ્તારમાં ફરજ બજાવતી વખતે જંગલમાં નદીના વહેતા પાણીને જ પીવા યોગ્ય બનાવ્યું એ જ રીતે ગીરમાં પણ તેઓની નોંધપાત્ર કામગીરી રહી હતી.
રુચિ દવે જણાવે છે કે , “2019માં કેવડિયામાં પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે તેઓના હાથે બટરફ્લાય રિલીઝ કરાવ્યા ત્યારે થયું કે વડાપ્રધાન હોય કે બાળક, કોઈપણ વ્યક્તિ કોઈ એક જીવ સાથે કનેક્ટ થઈ શકે તો તે બટરફ્લાય છે.પતંગિયા રણમાં પણ છે,પોલ્યુટેડ સિટીમાં પણ છે, દરિયામાં પણ છે અને સામાન્ય લોકોના ઘરમાં પણ છે. પતંગિયું જોઈને લોકો ખુશ થાય છે પરંતુ તેના વિશે કોઈ વધુ માહિતી લોકો પાસે નથી હોતી. પતંગિયા વિશે ગુજરાતીમાં કોઈ સાહિત્ય ઉપલબ્ધ નહોતું. એટલે વિચાર આવ્યો કે ગુજરાતીમાં પતંગિયા વિશે કંઈક લખાવું જોઈએ. 2017 થી કામ શરૂૂ થયું અને 6 વર્ષ બાદ અનેક રિસર્ચ,અવલોકન, બીડ,વગડા,બાગ,બગીચાના પરિભ્રમણ સમયના અનુભવો તેમજ અન્ય પુસ્તકોના અભ્યાસ બાદ આ પુસ્તક લોકોના હાથમાં મૂકયું છે. પુસ્તક વિમોચનના આગલા દિવસે પ્રિ-લોન્ચિંગમાં 24 કલાકમાં જ 500 કોપીનો ઓર્ડર આવ્યો જે સાબિત કરે છે કે લોકો પતંગિયા વિશે જાણવા ઈચ્છે છે,નજીક જવા ઈચ્છે છે.”
આ પ્રકારનું ગુજરાતી ભાષામાં પ્રથમ પુસ્તક છે જેની પ્રસ્તાવના વાંકાનેર રાજપરિવારનાં મોભી અને મધ્યપ્રદેશ કેડરના નિવૃત્ત આઇ.એસ.એસ ઓફિસર એમ.કે. રણજિતસિંહે લખી છે. પુસ્તક વાંચ્યા બાદ અનેક નામી-અનામી લોકોએ તેની પ્રશંસા કરી છે.બુક લખવામાં પતિ સહિત અનેક મિત્રો, સ્નેહીજનો અને મિત્રોએ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરી છે.424 પેજના આ પુસ્તકને લોકોએ પ્રેમથી વધાવ્યું છે આમ છતાં રુચિ દવેનું કહેવું છે કે હજુ પણ ઘણું કરવાનું બાકી છે.તેઓને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ
નાજુક, નમણાં પતંગિયાની દુનિયામાં લઈ જાય છે આ પુસ્તક
પતંગિયુ કુદરતે સર્જેલું સૌથી આશ્ચર્યકારક સજીવ છે. તેનું જીવન ઈંડા, ઇયળ, કોશેટો અને પુખ્ત પતંગિયું એમ ચાર તબક્કામાં વહેંચાયલું છે. તેનું આયુષ્ય ઓછું હોય છે.પતંગિયાના નામ તેની પાછળના કારણો,તેનો દેખાવ, કદ,તેને ઉપયોગી છોડ,વનસ્પતિ, નર, માદા કંઈ રીતે ઓળખી શકાય,તેનું વૈજ્ઞાનિક નામ,ગુજરાતી નામ,તેની ઉડાન,પતંગિયાના ઉછેર, તેના જીવનચક્ર, તેના નામો પાછળની રોમાંચક કથાઓની અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાન વગેરે અસંખ્ય બાબતોની ઝીણવટભરી માહિતી પુસ્તકમાં આપી છે. પતંગિયાના કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન કર્યું છે. કુલ 424 પાનાંનાં આ પુસ્તકમાં ગુજરાતમાં સામાન્ય ગણાતાં હોય તેવા તમામ પતંગિયા વિશેની માહિતી અને સંશોધન આવરી લીધા છે.
