હાઈવે ઉપર ઠેર ઠેર ચેકપોસ્ટો ઉભી કરાઈ, વાહનોની ચકાસણી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાળા સાવધાન
દ્વારકા-સોમનાથ સહિતના ધર્મસ્થળો અને પર્યટન સ્થળોએ વિશેષ બંદોબસ્ત, ન્યૂયરની ઉજવણી ઉપર ખાસ નજર
લોકોને સંયમ, સમજદારી અને તકેદારીપૂર્વક નવું વર્ષ ઉજવવા પ્રશાસનની અપીલ
આજે 31 ડિસેમ્બરના પગલે સૌરાષ્ટ્રભરમાં પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ન્યુયરની ઉજવણી દરમિયાન યોજાનાર પાર્ટીઓમાં કોઈ અતિરેક થાય નહીં તેમજ રસ્તાઓ ઉપર ટ્રાફીક જામ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા આયોજન કરાયું છે. આ ઉપરાંત કોસ્ટલ એરિયા અને હાઈવે ઉપર ઠેર-ઠેર ચેક પોસ્ટો ઉભી કરી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ-દ્વારકા સહિતનાં ધર્મસ્થળો ઉપરાંત હરવા ફરવાના સ્થળોએ પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે લોકોને સંયમ, સમજદારી અને તકેદારીપૂર્વક ન્યુયરની ઉજવણી કરવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ની સરહદ સાથે જોડાયેલો હોવાથી આ દિવસે દારૂૂની હેરાફેરી અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કિસ્સાઓની સંભાવના વધી જાય છે. આ સ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા તમામ મુખ્ય હાઈવે, રાજ્ય માર્ગ અને અંતરિયાળ રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર પર વિશેષ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જ્યાં દરેક વાહનની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
ગીર સોમનાથના એસીપી જયદીપસિંહ જાડેજા એ જણાવેલ કે, “પોલીસની આ કાર્યવાહી નો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને અકસ્માતો કે ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાનો છે.” નશામાં ધૂત થઈ શાંતિ ભંગ કરનારા તત્વો ને ચેતવણી આપતા તેમણે ઉમેર્યું હતું કે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. જો ઉજવણીના ઉન્માદમાં કોઈ નિર્દોષ નાગરિકોને હેરાન કરશે અથવા કાયદાનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે. પોલીસની આ સખ્ત કાર્યવાહી ને પગલે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વર્ષની પૂર્ણાહુતિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
દ્વારકા-ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ડીવાયએસપી સાગર રાઠોડ તથા વિસ્મય માનસેતાની રાહબરી હેઠળ 31 ડિસેમ્બરે પૂર્ણ થતા 2025 નું વર્ષ અને 2026 ને આવકારવા માટે થનાર ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંન્ને વિભાગીય પોલીસ અધિક્ષક, સહિતના અધિકારીઓ તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના અધિકારીઓને જરૂૂરી સૂચના આપવામાં આવી છે. જેમાં જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે અલગ અલગ ટીમો બનાવીને વ્યુહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત પોલીસ બંદોબસ્તમાં 33 અધિકારીઓ, 234 કર્મચારીઓ, સાથે 441 જેટલા અન્ય જવાનો મળીને કુલ 758 અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં સોંપાયેલી કામગીરીમાં તમામ થાણા અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમોને બનાવી કુલ 14 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ચેક પોસ્ટ ઉપર એક અધિકારી અને પોલીસ ટીમની ફાળવણી કરી અને વાહન ચેકીંગ તેમજ બ્રેથ એનેલાઈઝર મારફતે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. તમામ ચેક પોસ્ટ ખાતે બોડીવોર્ન કેમેરા, વોકીટોકી સેટ વિગેરે જેવી તમામ સુવિધાઓ સાથે તમામ વાહનનું ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાની ખાસ ટીમો દ્વારા હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા તથા ફાર્મ હાઉસ અને મહેફીલો યોજી શકાય તેવા સ્થળોએ સઘન ચેકીંગ કરવામાં આવનાર છે.
આગામી દિવસોમાં ખાસ નાઈટ કોમ્બીંગ હાથ ધરી, નામચીન તેમજ આવારા શખ્સો, જિલ્લાના એચ.એસ./એમ.સી.આર., અસામાજીક તત્વોને ખાસ ચેક કરવામાં આવનાર છે. ટ્રાફીક શાખા દ્વારા હાઈ-વે ઉપર સતત પેટ્રોલીંગ જારી રાખીને શકમંદ, બ્લેક ફિલ્મ વાળા તથા પુરપાટ ઝડપે ચાલતા વાહનો વિરૂૂધ્ધમાં એમ.ટી.એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
સલાયા
સલાયા મરીન પોલીસના પી.આઈ.રાણા તેમજ સ્ટાફ દ્વારા સલાયામાં 31 ડિસેમ્બરને અનુલક્ષીને ખાસ ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી.જેમાં વાહન ચાલકોને રોકી અને લાઇસન્સ,તેમજ અન્ય દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા.તેમજ ગાડીઓમાં કોઈ ગેરકાયદેસર માલ હેરાફેરી થતી અટકાવવા ગાડીઓની પણ પૂરતી ચકાસણી કરવામાં આવી હતી. ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોને નાથવા ડ્રાયવરને પણ આલ્કોહોલ ડિટેક્ટ મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા હતાં.ટ્રાફિક નિયમોના ભંગ બદલ અનેક વાહન ચાલકોને દંડ કર્યો હતો.
