કોમનવેલ્થ ગેમ પહેલા આખું ગુજરાત ચકાચક થઇ જશે

રમતોત્સવમાં આવનાર વિશ્ર્વભરના ખેલાડીઓ અને દર્શકોને ટુરિઝમ અને આંતરમાળખાકીય સુવિધાથી આંજી દેવાનો સરકારો વ્યૂહ તમામ મુખ્ય રસ્તા-હાઇવે, પ્રવાસન-ધાર્મિક સ્થળો- ઐતિહાસિક ધરોહરોના રિનોવેશન- જાળવણી સહીતની કામગીરી…

રમતોત્સવમાં આવનાર વિશ્ર્વભરના ખેલાડીઓ અને દર્શકોને ટુરિઝમ અને આંતરમાળખાકીય સુવિધાથી આંજી દેવાનો સરકારો વ્યૂહ

તમામ મુખ્ય રસ્તા-હાઇવે, પ્રવાસન-ધાર્મિક સ્થળો- ઐતિહાસિક ધરોહરોના રિનોવેશન- જાળવણી સહીતની કામગીરી અત્યારથી જ શરૂ

અમદાવાદમાં આગામી વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમનું આયોજન થાય તે પુર્વે રાજયભરના મુખ્ય હાઇવે, પ્રવાસન સ્થળો તથા ધર્મસ્થળોને જોડતા રસ્તા તેમજ પ્રવાસનસ્થળો અને ધર્મસ્થળોની સફાઇ- રિનોવેશન સહીતની વ્યવસ્થા પુર્ણ કરી ગુજરાતને વિશ્ર્વભરમાંથી આવનાર ખેલાડીઓ અને દર્શકો સમગ્ર ગુજરાતમાં હરે ફરે અને એક અલગ જ છાપ લઇને જાય તે માટે ગુજરાતને ચકાચક કરી દેવા સરકારનું વિશાળ આયોજન છે.
રાજય સરકારે આ માટે વિવિધ ધર્મસ્થળોને જોડતી સર્કીટના રૂટ, સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે, પ્રવાસન વિભાગ, મહાનગરપાલિકાઓ સહીતની તમામ ઓથોરીટીને પોતપોતાના હસ્તકની મિલકતોના રિનોવેશન સહીતના પ્લાન અત્યારથી જ બનાવી કામ શરૂ કરી દેવા સુચના આપી છે.

ખાસ કરીને તમામ મુખ્ય રોડ-રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો તેમજ હેરિટેજ ધરોહરો પ્રવાસીઓને આકર્ષી શકે તે રીતે રિનોવેટ કરવા જણાવી દેવામાં આવ્યું છે. જુના તળાવો, પ્રાચીન ઇમારતો, લોક સાહિત્યના વારસાની સુવ્યવસ્થિત સફાઇ અને જાળવણી માટે બ્લુ પ્રિન્ટ બનાવવા દરેક ઓથોરીટીને તાકીદ કરી દેવામાં આવી છે.

ટુંકમાં અમદાવાદમાં પાંચ વર્ષ બાદ યોજાનાર કોમનવેલ્થ ગેમનો સમગ્ર ગુજરાતને લાભ મળશે. અમદાવાદ સિવાયના રાજકોટ- વડોદરા- સુરત- જામનગર- ભાવનગર સહીતના મહાનગરોમાં પણ કેટલીક નાની રમતો યોજવામાં આવશે તેમજ સમગ્ર ગુજરાતના રોડ-રસ્તાથી માંડી પ્રવાસન અને ધર્મસ્થળો ચકાચક કરી દેવામાં આવશે.

હજુ સરકાર પાસે પુરા પાંચ વર્ષ હોવાથી ગુજરાતની આંતર માળખાકીય સુવિધા વિકસિત રાષ્ટ્રો જેવી બનાવી કોમનવેલ્થ ગેમ સમયે સમગ્ર વિશ્ર્વને આંજી દેવાની ગુજરાત સરકારની યોજના છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ પણ ગુજરાત હોવાથી દેશના બન્ને ટોચના નેતાઓ સમગ્ર યોજના ઉપર નજર રાખી રહ્યા છે અને આગામી સમયમાં અનેક મોટા પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થઇ શકે છે.

ધર્મસ્થળો-ઐતિહાસિક ધરોહરો અને વિવિધ બીચ ઉપર ધ્યાન કેન્દ્રીત
ગુજરાતમાં કોમનવેલ્થના આયોજન પૂર્વે ગુજરાતની ઐતિહાસીક ધરોહરો અને ધર્મ સ્થળો આકર્ષક બનાવવા ઉપર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજયના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર જેવા વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મસ્થળો ઉપરાંત અન્ય નાના ધર્મસ્થળોની પ્રવાસન સર્કિટ ડેવલપ કરી વિશ્ર્વભરમાંથી આવનાર પ્રવાસીઓને આકર્ષિત કરવાની યોજના છે. આ સિવાય વિદેશીઓને સૌથી વધુ જેનું આકર્ષણ રહે છે તેવા રમણિય બીચ પણ આકર્ષક બનાવવામાં આવશે. આ માટે અલગ- અલગ બીચ શોર્ટલિસ્ટ કર્યા બાદ તેના વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *