ડેડીયાપાડામાં સરકારી કાર્યક્રમમાં પ્રશસ્તિના ફુલો બંધાતા અનેક તર્ક-વિતર્ક
નર્મદા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલમાં જ એક જાહેર મંચ પરથી ચૈતર વસાવાના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે, જે પછી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓનું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે યોજાયેલી જનકલ્યાણ શિબિર દરમિયાન આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારની યોજનાઓના વખાણ કર્યા છે.
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક પોતાના આક્રમક તેવર બદલીને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં જ સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. સામાન્ય રીતે સરકાર પર આકરા પ્રહારો કરવા માટે જાણીતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓને અનિવાર્ય ગણાવી લોકોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂૂ થયા છે.
સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની એક જ મંચ પર હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના બદલાયેલા સૂરે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સામૂહિક અને સહિયારા પ્રયાસોની અત્યંત જરૂૂર છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ લોકોના કલ્યાણ માટે જ છે, તેથી છેવાડાના આદિવાસી પરિવારો સુધી આ યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિપક્ષી ધારાસભ્ય દ્વારા શાસક પક્ષની યોજનાઓના મંચ પરથી કરાયેલા આ વખાણ પાછળ કોઈ નવું રાજકીય સમીકરણ આકાર લઈ રહ્યું છે કે કેમ, તે અંગે પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
