કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભા

અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના…

અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના વિરોચનનગરથી થશે. આ યાત્રાના આયોજન અને પૂર્ણાહુતિના કાર્યક્રમને સફળ બનાવવા બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ હતી અને તાકીદની કારોબારી બોલાવાઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા‘જન આક્રોશ યાત્રા’ના ત્રીજા તબક્કાના સમાપનમાં લોકસભામાં વિપક્ષનેતા રાહુલ ગાંધી હાજરી આપશે તેવી જાહેરાત કરાઈ હતી. અમદાવાદથી શરૂૂ થયેલી યાત્રા ભાવનગર, અમરેલી, બોટાદ થઈને સુરેન્દ્રનગર પહોંચશે.

2026માં રાહુલ ગાંધીની ગુજરાતની પહેલી જાહેર સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. આ યાત્રા અમદાવાદથી પ્રસ્થાન કરી ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાંથી પસાર થશે. ત્યારબાદ યાત્રા બોટાદ જિલ્લામાં પ્રવેશ કરશે અને અંતે સુરેન્દ્રનગર જિલ્લામાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત રાજ્યના વરિષ્ઠ આગેવાનો જોડાશે. યાત્રાના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે અને સુરેન્દ્રનગર ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેદની એકઠી કરવા માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પ્રમુખ હિંમત કટારીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશ શીલું, પૂર્વ પ્રમુખ રમેશ મેર અને જગદીશ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લાના મહામંત્રીઓ, ઉપપ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, આ યાત્રાનો મુખ્ય હેતુ જનતાના પડતર પ્રશ્નો અને સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. યાત્રાને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે કાર્યકરોને પાયાના સ્તરે તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *