ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના માઢવાડ ગામે આવેલ ડિઝલ પંપ પરથી બોટ માલિકની મોટરસાયકલની ડેકીમાંથી રૂૂપિયા 4 લાખની ચોરી થવાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે, ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીની સાથે જ ડિઝલ ભરવા આવેલો તેનો વિશ્વાસુ ડ્રાઈવર જ નીકળ્યો હતો.
ગત તા.13/04/2026 ના રોજ રાત્રિના સમયે ફરિયાદી પોતાની મોટરસાયકલ (GJ-32-AD-9327) લઈને માઢવાડ ગામના ડીઝલ પંપ પર પોતાની માછીમારીની બોટ માટે ડીઝલ લેવા ગયા હતા. મોટરસાયકલની ડેકીમાં ડીઝલ ભરવા માટે લાવેલા રોકડા રૂૂપિયા 4,00,000/- રાખ્યા હતા. ફરિયાદી બાઈક પાર્ક કરીને ઓફિસમાં બેઠા હતા, ત્યારે મોકાનો લાભ લઈ કોઈ અજાણ્યો શખ્સ ડેકી ખોલી રૂૂપિયા ચોરી કરી નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ થતા જ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી કોડીનાર પી.આઈ. એન.વી. હરિયાણીએ તુરંત સર્વેલન્સ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે પંપ પરના CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ત્યાં હાજર લોકોની પૂછપરછ શરૂૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને ફરિયાદી સાથે બોલેરો ગાડી લઈને આવેલા ઇરફાન મન્સુરી પર શંકા ગઈ હતી. તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને ચોરીની કબૂલાત કરી હતી.આરોપી ઇરફાનને ખબર હતી કે ફરિયાદી પાસે મોટી રકમ છે. તેણે અંધારાનો લાભ લઈ ડેકીમાંથી રૂૂપિયા કાઢી લીધા હતા અને પંપ નજીક ઝાડીઓમાં એક પથ્થર નીચે છુપાવી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની નિશાનદેહી પરથી રોકડા ₹4,00,000/- પૂરેપૂરા રિકવર કરી ઈરફાન મહમદઅલી મન્સુરી (ઉ.વ. 32, રહે. વણાકબારા, દીવ) ની ધરપકડ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એ.એસ.આઈ. પ્રફુલભાઇ, પ્રદિપસિંહ, હેડ કોન્સ. મુકેશભાઇ, દોલુભાઇ અને કૌશિકસિંહ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ આ કેસની વધુ તપાસ પીએસઆઈ જી.એન. કાછડ ચલાવી રહ્યા છે.
